શું ભારત પર 50થી વધુ ટેરિફ અને ગૌણ પ્રતિબંધો લાગુ કરશે અમેરિકા?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ભારત પર 50% બેઝલાઇન ટેરિફ પછી હવે વધુ કડક ગૌણ પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે. હાલમાં જ ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે પત્રકારના સવાલના જવાબમાં કહ્યું, “માત્ર 8 કલાક થયા છે… જોતા રહો, હજુ ઘણું આવશે.”
આ સંકેત ખાસ કરીને રશિયાથી ભારત દ્વારા કરવામાં આવતી ક્રૂડ તેલ ખરીદીના સંદર્ભમાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતના આ પગલાને યુક્રેન યુદ્ધના ભંડોળ સાથે જોડ્યું છે અને તેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. જ્યારે એક પત્રકારે પૂછ્યું કે ચીન પણ રશિયાથી તેલ ખરીદે છે તો ફક્ત ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે અન્ય દેશો પણ ટાર્ગેટ બની શકે છે – જેમાં ચીનનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયે અમેરિકાના વધારાના ટેરિફને અયોગ્ય, અન્યાયી અને પાયાવિહોણું ગણાવ્યું છે.
ભારતે સ્પષ્ટ જણાવ્યું છે કે તેલની આયાત સંપૂર્ણપણે બજાર આધારિત છે અને તેનો હેતુ 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવો છે. ભારતે એ પણ કહ્યું કે વિશ્વના ઘણા દેશો રશિયા પાસેથી તેલ ખરીદે છે, તો ફક્ત ભારતને નિશાન બનાવવું ન્યાયસંગત નથી.
ગૌણ પ્રતિબંધો એટલે શું?
ગૌણ પ્રતિબંધો એ તૃતીય પક્ષ પર લગાવવામાં આવતાં પ્રતિબંધો છે જે કોઈ પ્રતિબંધિત દેશ સાથે વેપાર કરે છે. તેમાં ખાસ કરીને બેંકો, શિપિંગ કંપનીઓ અને ઓઇલ કંપનીઓનો સમાવેશ થાય છે. જો આવા પ્રતિબંધો લાગુ થાય તો તે ભારતના ઉર્જા ક્ષેત્ર અને નાણાકીય વ્યવસ્થાઓ પર ગંભીર અસર કરી શકે છે.