ડોનાલ્ડ ટ્રમ્પનો નવો વિવાદ: પોપની ટીકા બાદ ઈસુ ખ્રિસ્તના અવતારમાં દેખાયા, AI તસવીરથી મચાવી ધૂમ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેથોલિક ચર્ચ અને વેટિકન (Holy See) સામેના પોતાના આક્રમક વલણને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી દીધું છે. પોપ લિયોએ અમેરિકાની વિદેશ નીતિઓની ટીકા કરી તેના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ચોંકાવનારી તસવીર પોસ્ટ કરી છે.
તસવીરમાં શું છે? ટ્રમ્પનો ‘મસીહા’ અવતાર
આ ડિજિટલ તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક પૌરાણિક લાંબો ચોગો પહેરેલા જોવા મળે છે. તેઓ એક બીમાર વ્યક્તિ પર પોતાનો હાથ રાખી રહ્યા છે, જે બાઈબલમાં વર્ણવેલા ઈસુ ખ્રિસ્તના ચમત્કારોની યાદ અપાવે છે. ખાસ કરીને, આ દ્રશ્ય ઈસુ દ્વારા લાઝરસને પુનર્જીવિત કરવાના ચમત્કાર સાથે સામ્યતા ધરાવે છે.
માત્ર આટલું જ નહીં, આ તસવીરને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમાં અમેરિકન ધ્વજ, આકાશમાં ઉડતા સૈન્ય વિમાનો અને બેકગ્રાઉન્ડમાં દેવદૂતો (Angels) જેવી આકૃતિઓ પણ ઉમેરવામાં આવી છે. આ તસવીર દ્વારા ટ્રમ્પ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ માત્ર રાજકીય નેતા જ નહીં, પરંતુ અમેરિકાના રક્ષક અને ‘મસીહા’ છે.
પોપ લિયો સાથેનો ટકરાવ: ‘વિદેશ નીતિ માટે ખરાબ છે પોપ’
ટ્રમ્પની આ પોસ્ટ પાછળનું મુખ્ય કારણ પોપ લિયો સાથેનો તેમનો શાબ્દિક જંગ છે. ટ્રમ્પે પોપની કડક શબ્દોમાં ટીકા કરતા તેમને વિદેશ નીતિના મામલે ‘ખૂબ જ ખરાબ’ ગણાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ન હોત, તો પોપ ફ્રાન્સિસના અવસાન બાદ પોપ લિયો ક્યારેય આ પદ પર પહોંચી શક્યા ન હોત.
ટ્રમ્પનો આરોપ છે કે પોપ લિયો ગુનાખોરીના મામલે નરમ વલણ ધરાવે છે અને વૈશ્વિક સંઘર્ષો, ખાસ કરીને ઈરાન સાથેના તણાવમાં વોશિંગ્ટનના કડક વલણની ખોટી રીતે ટીકા કરી રહ્યા છે. જણાવી દઈએ કે પોપે તાજેતરમાં જ શાંતિ અને રાજદ્વારી વાતચીતની અપીલ કરી હતી, જે ટ્રમ્પના આક્રમક વલણની વિરુદ્ધ હતી.
ટ્રમ્પના આકરા પ્રહારો: ‘મને આવો પોપ નથી જોઈતો’
ટ્રમ્પે તેમની પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, “મને એવો પોપ નથી જોઈતો જે વિચારે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય તે યોગ્ય છે. મને એવો પોપ નથી જોઈતો જે અમેરિકાના વેનેઝુએલા પરના હુમલાને ખોટો ગણાવે.”
તેમણે પોતાના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે વેનેઝુએલા જેવા દેશો અમેરિકામાં નશીલા પદાર્થો અને ગુનેગારો મોકલી રહ્યા હતા, તેથી તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. ટ્રમ્પે ગુસ્સામાં કહ્યું કે પોપે અમેરિકાના રાષ્ટ્રપતિની ટીકા ન કરવી જોઈએ, કારણ કે તેઓ (ટ્રમ્પ) એ જ કરી રહ્યા છે જેના માટે અમેરિકાની જનતાએ તેમને જંગી બહુમતીથી ચૂંટ્યા છે.
New media post from Donald J. Trump
(TS: 12 Apr 21:49 ET) pic.twitter.com/uWUoEG1bSQ
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) April 13, 2026
કોણ છે પોપ લિયો?
નોંધનીય છે કે પોપ લિયો અમેરિકામાં જન્મેલા પ્રથમ પોપ છે. તેઓ સતત માનવતાવાદી અભિગમ અને યુદ્ધને બદલે મધ્યસ્થી દ્વારા સમસ્યાઓ ઉકેલવાની હિમાયત કરતા રહ્યા છે. તેમણે અમેરિકાના સૈન્ય હસ્તક્ષેપ પર ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે, જે ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ અને આક્રમક રણનીતિ સાથે અથડાય છે.
ધાર્મિક અને રાજકીય વિવાદ
ટ્રમ્પ દ્વારા પોતાની સરખામણી ઈસુ ખ્રિસ્ત સાથે કરવી અથવા પોતાને દૈવી શક્તિ તરીકે રજૂ કરવાના આ પ્રયાસથી અમેરિકાના કેથોલિક સમુદાયમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક સમર્થકો તેને ટ્રમ્પની શક્તિનું પ્રતીક માને છે, જ્યારે વિરોધીઓ અને ધાર્મિક નેતાઓ તેને ધર્મનું અપમાન અને અહંકારની પરાકાષ્ઠા ગણાવી રહ્યા છે.
