બેરલમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડીને દોઢ ગણું ઉત્પાદન
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામના કમલેશભાઈ ગોવિંદભાઈ સભાયાએ ખેતીમાં અનોખો નવો પ્રયોગ કર્યો છે. તેમણે ડ્રેગન ફ્રૂટનું વાવેતર 40 વીઘા જમીનમાં કર્યું છે, જેમાં 8000 પોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પૈકી 4000 પોલ પ્લાસ્ટિકના મોટા બેરલ (ડ્રમ)માં ઊભા કરાયા છે. બેરલ પદ્ધતિથી ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં પણ દોઢ ગણો વધારો જોવા મળ્યો છે.
કમલેશભાઈના કહેવા પ્રમાણે, આ નવી પદ્ધતિના કારણે એક તો નિંદામણ થતું નથી, બીજું પવન કે વાવાઝોડા સમયે ફળો નીચે પડતા નથી, અને ત્રીજું ફળની હેરફેર સરળ બનતી હોવાથી કામદારોનો ખર્ચ પણ બચી જાય છે.
બેરલ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટના દરેક પોળમાં 25 થી 30 કિલો સુધીનું ઉત્પાદન થાય છે. 8000 પોળમાંથી દર વર્ષે આશરે 2 લાખ કિલોનું ઉત્પાદન થાય છે. જ્યારે બજારમાં ફળનો દર કિલોએ 200 થી 250 રૂપિયા સુધી મળે છે, તેથી વાર્ષિક આવક આશરે 4 કરોડ રૂપિયા થાય છે.
આ નવી પદ્ધતિમાં શરૂઆતમાં ₹25 લાખ જેટલો ખર્ચ થયો હતો અને બેરલ માટે વધારાનું ₹12 લાખ જેટલું ખર્ચાયું હતું. તેમ છતાં, આ એક વખતનો ખર્ચ છે અને પછી સામાન્ય જ ખેતી ખર્ચ થાય છે. કમલેશભાઈના અનુસાર, ડ્રેગન ફ્રૂટના છોડ બીજાના વર્ષથી જ ઉત્પાદન આપવાનું શરૂ કરે છે.
આ પદ્ધતિનો વિશિષ્ટ લાભ એ છે કે એક પોળમાંથી બે વખત ફળ મળે છે. પહેલા માળમાં ટીપણાના વળાંક પરથી અને બીજામાં પોળ ઉપર લગાવેલા કવચમાંથી ફળ આવે છે. પરિણામે દોઢ ગણું ઉત્પાદન મળે છે અને આવક પણ સરળતાથી વધી જાય છે.