ભચાઉની હોટેલમાં ડ્રાઇવરો દ્વારા ટેન્કરોમાંથી રૂ.૨૦ લાખનું સિંગતેલ સગેવગે કરાયું
કચ્છમાં ટેન્કરોમાંથી તેલચોરીના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને ટ્રાન્સપોર્ટર દ્વારા જે ડ્રાઇવરો પર વિશ્વાસ મુકવામાં આવે છે તે જ ડ્રાઇવરો ટેન્કરોમાંથી તેલની ચોરી કરીને વિશ્વાસઘાત કરતા હોય છે. આવો જ એક બનાવ ભચાઉમાં બન્યો હતો. જેમાં રાજકોટ અને ગોંડલની પેઢી દ્વારા ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના વિવિધ ટેન્કરોમાં સિંગતેલ ભરીને મુન્દ્રા પોર્ટ પર મોકલાવાઇ રહ્યું હતું. આ દરમ્યાન ભચાઉની હોટલમાં ટેન્કરોના ડ્રાઇવરોએ મળીને રૂ.૨૦ લાખની કિંમતનું ૧૨,૫૧,૫૯૦ ટન સિંગતેલ સગેવગે કરવામાં આવ્યું હતું.
ગોંડલની પેઢીએ ૨૧.૪૮૦ મેટ્રિક ટન સિંગતેલ મુન્દ્રા મોકલાવ્યું હતું
ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર તા.પથી ૧૭ જુલાઇ દરમ્યાન આ બનાવ બન્યો હતો. જેમાં ગાંધીધામની જે.આર.રોડલાઇન્સ પ્રા.લી.નો ડ્રાઇવર અને રાજસ્થાનના બાડમેરમાં રહેતા મોહનસિંગ બાલુસિંગ અને પુરારામ ઢોકલારામ બંન્નેએ ગોંડલની ખેડૂત સોલ્વેક્સ પ્રા.લી. પેઢીમમાંથી ૨૧.૪૮૦ મેટ્રિક ટન સિંગતેલ ટેન્કરમાં ભરીને મુન્દ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.જોકે આરોપીઓએ ભચાઉ પાસે આવેલી હોટેલ વિરાત્રા પર રૂ.૭,૭૪,૮૨૬નું ૫,૯૩૫ મેટ્રિક ટન સિંગતેલ કાઢી લીધું હતું.
રાજકોટની પેઢીએ મોકલાવેલા સિંગતેલમાંથી ડ્રાઇવરે ૯,૯૫૦ મેટ્રિક ટન તેલ કાઢ્યું
રાજકોટમાં આવેલી શ્યામ સેલ્સ કોર્પોરેશન નામની પેઢીએ પણ ૨૧.૭૮૦ મેટ્રિક ટન સિંગતેલ મુન્દ્રા પોર્ટ ખાતે મોકલાવ્યું હતું. જોકે આરોપીએ તેમાંથી પણ રૂ.૧૨,૫૧,૫૯૦ ની કિંમતનું ૯,૯૫૦ મેટ્રિક ટન સિંગતેલ કાઢી લીધું હતું. આમ કુલ રૂ.૨૦,૨૬,૪૧૬ નો જથ્થો મુન્દ્રા પોર્ટ પર ઓછો આવતાં ટ્રાન્સપોર્ટ પેઢીએ તપાસ કરી હતી. જેમાં સિંગતેલ ભચાઉની વિરાત્રા હોટેલ ખાતે કાઢી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ડ્રાઇવરો મોબાઇલ ફોન બંધ કરીને નોકરી છોડીને નાશી છુટ્યા
ટ્રાન્સપોર્ટ પેઢીએ જ્યારે આ બાબતે વિગતો જાણવા માટે ડ્રાઇવરોને તેમના મોબાઇલ નંબરો પર ફોન કરીને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઇવરો નોકરી છોડીને મોબાઇલફોન સ્વીચ ઓફ કરીને નાશી છુટ્યા હતા. તેથી બંન્ને ડ્રાઇવરો સામે ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર જગદીશ જ્યંતીલાલ રાવલે ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.