વલસાડમાં DRIનો મેગા ઓપરેશન: ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, ₹20 કરોડથી વધુનો 114 કિલો ડ્રગ્સ જપ્ત
ગેરકાયદે ધમધમતી ફેકટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરાયુ છે. વલસાડ જિલ્લાના અટગામ વિતારમાં ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઆરઆઈએ અહીં ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિગ ફેક્ટરીનો પર્દાફાશ કરીને અંદાજિત 20 કરોડથી વધુ કિમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો છે.

ડીઆરઆઈએ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ઓળખ થઈ છે. ડીઆરઆઈ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, આ ફેક્ટરી વલસાડના અટગામ વિસ્તારમાં લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી ચાલતી હતી. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જેમાં ૯.૫૫ કિલો ફિનિશ્ડ અલ્પ્રાઝોલમ અને 104.15 કિલો સેમી-ફિનિશ્ડ ફોર્મમાં જપ્ત કરવામાં આવ્યો છે.

આ સિવાય 431 કિલો કાચો માલ, રસાયણોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય રિએક્ટર, સેન્ટ્રીફયુજ, રેફ્રિજરેશન યુનિટ અને હીટિગ મેન્ટલ સહિત ઔદ્યોગિક સ્તરના પ્રોસેસિંગ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાની આશંકા છે. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.
