પોલીસની રેડમાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
સુરત શહેરમાં ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોના રેકેટની વધુ એક કડી ઝડપાઈ છે. શહેરની ઝોન 2 પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને ભેળસેળ કરેલા મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 24.71 લાખ રૂપિયાનો નકલી મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે.
એવરેસ્ટ અને મેગી બ્રાન્ડના નામે બનાવાતા નકલી મસાલા
આ ફેક્ટરીમાં એવરેસ્ટ તથા મેગી જેવી લોકપ્રિય કંપનીઓના લેબલ સાથે નકલી મસાલા તૈયાર કરી બજારમાં વેચાણ થતું હતું. પોલીસે પેકિંગ કરતી ફેક્ટરીમાંથી ચાર કામદારો અને એક માલિક મળીને કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ માત્ર એક મહિનાની અંદર જ હજારો પેકેટ તૈયાર કર્યા હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય સુત્રધાર હતા સુનિલ સોની અને અનિલ ગોહેલ
પોલીસે મુખ્ય આરોપી સુનિલ સોની અને અનિલ ગોહેલને પકડ્યા છે. જો કે, અનિલ ગોહેલને પોલીસ દ્વારા હવે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે તેણે તપાસ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી આ ડુપ્લીકેટ મસાલાનું કારખાનું ગુપ્ત રીતે ચલાવવામાં આવતું હતું.
ડુપ્લીકેટ ઉત્પાદનોનું ગુનાહિત નેટવર્ક વધી રહ્યું છે
આ ઘટના એ સાબિત કરે છે કે સુરત શહેર માત્ર ટેક્સટાઇલ અથવા તંબાકુ માટે જ નહીં, પરંતુ હવે ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોની તસ્કરીનું પણ કેન્દ્ર બની રહ્યું છે. થોડા સમય પહેલા પણ ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી જ્યાં બાગબાન બ્રાન્ડની પડીકીઓ બનાવાતી હતી.
સામાન્ય લોકોના આરોગ્ય સાથે થઇ રહયા છે ચેડા
ડુપ્લીકેટ તમાકુની જેમ ડુપ્લીકેટ મસાલા પણ સામાન્ય લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. આવા મસાલા માત્ર ભેળસેળયુક્ત જ નથી, પરંતુ તેના કારણે લાંબા ગાળે કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. તંત્રએ આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા માટે બંધ કરવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.
લોકો અજાણમાં ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનો ભોગ બની રહ્યા છે અને કેટલાક લાલચી તત્વો પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમે છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને ઉગ્ર કાર્યવાહી હવે જરૂરી બની ગઈ છે.