સુરતમાં આરોગ્ય વિભાગની રેડઃ 1.82 લાખના શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ
Duplicate Paneer in Surat: સુરતમાં (Surat) લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ખાદ્ય મફિયાઓ ફરી એકવાર સક્રિય થયા છે. શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભિ ડેરી (Surabhi Dairy) માંથી 754 કિલો શંકાસ્પદ પનીર (Duplicate Paneer) જપ્ત કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ અને શહેર SOGની સંયુક્ત ટીમે આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કુલ 1.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ, બાતમીના આધારે ખટોદરાની સોમકાનજીની વાડીમાં આવેલ સુરભિ ડેરી પર શહેર SOG અને ફૂડ વિભાગે રેડ પાડી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીર અને તે બનાવવામાં વપરાતા કાચા માલનો જથ્થો મળી આવ્યો. ટીમે તરત જ 754 કિલો પનીરનો જથ્થો સીલ કરી લેબ તપાસ માટે નમૂનાઓ મોકલ્યા છે.

લેબ રિપોર્ટ પછી થશે કડક કાર્યવાહી
સંદેહાસ્પદ પનીરના નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી (Public Health Laboratory) ખાતે મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓ મુજબ, જો પનીરના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ કે નકલી સાબિત થશે તો Food Safety Act હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
સંચાલક સ્થળ પરથી ગાયબ, તપાસ ચાલુ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે તપાસ શરૂ થતા જ સંચાલક અચાનક “ભૂગર્ભમાં ઉતરી ગયા” હોવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિભાગ હાલમાં સંચાલકની પૂછપરછ અને સપ્લાય ચેઇનની તપાસ કરી રહ્યો છે.

આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya) ના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગ હવે કડક પગલાં લઈ રહ્યો છે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર સતત નજર રાખવા માટે ટીમોને સૂચના આપવામાં આવી છે. સુરતમાં વારંવાર નકલી પનીર ઝડપાતા આરોગ્ય વિભાગ માટે આ મામલો ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.

