KBK ડીસાના માર્ગદર્શન હેઠળ થાવર ગામના ખેડૂતની આગોતરી ખેતીથી અદ્ભુત આવકનો ઇતિહાસ
બનાસકાંઠા જિલ્લો સરહદ નજીક હોવાને કારણે વર્ષોથી અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંના ખેડૂતો ખેતીમાં નવીનતા દ્વારા નોંધપાત્ર પરિવર્તન લાવી રહ્યા છે. પાણીની અછત અને પરંપરાગત કૃષિની મર્યાદાઓ વચ્ચે આ વિસ્તારના ઘણા ખેડૂતો આધુનિક પદ્ધતિઓ, જૈવિક તત્વો અને ટેકનોલોજીનો સહારો લઈને પોતાની આવક બે-ત્રણ ગણો વધારી રહ્યા છે. ખાસ કરીને ધાનેરા તાલુકાના થાવર ગામના દિનેશભાઈ ચૌધરીનું કાર્ય સમગ્ર જિલ્લામાં પ્રેરણારૂપ બની રહ્યું છે.
દિનેશ ચૌધરીની ખેતીમાં નવી શરૂઆત: પરંપરા પરથી આધુનિક ટેકનીક તરફ
ધાનેરાના થાવર ગામના દિનેશભાઈ ચૌધરીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ પોતાના 30 વીઘા જેટલા ખેતરમાં શરૂઆતમાં બાજરી અને રાયડા જેવા પરંપરાગત પાક વાવતા હતા. 2017માં તેઓ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. યોગેશ પવાર સાથે સંપર્કમાં આવ્યા બાદ તેમના ખેતી જીવનનો નવો અધ્યાય શરૂ થયો. તેઓએ રોજિંદા પાકોમાં જૈવિક બેક્ટેરિયા, જીવામૃત અને છાશ આધારિત ખાતરની સ્વયં તૈયારીઓ શરૂ કરી, જેના કારણે ખેતી ખર્ચ ઘટ્યો અને પાકનું આરોગ્ય સુધર્યું. આ પદ્ધતિઓને અપનાવી તેઓએ આગોતરાં પાકનું વાવેતર શરૂ કર્યું, જેમાં ખુબજ પ્રોત્સાહક પરિણામ મળ્યા.

આગોતરાં પાકની સફળતા: લાખોની આવકથી ગામમાં ચર્ચાનો વિષય
દિનેશભાઈએ શરૂઆતમાં પોતાના 6 વીઘા ખેતરમાં ક્રોપ કવર પદ્ધતિ લાગુ કરીને ટેટી અને તરબૂચનું અગાવ વાવેતર કર્યું, જેમાંથી તેમને આશરે 9 લાખ રૂપિયાની આવક મળી. ત્યાર પછી તેમણે દાડમની ખેતી પણ છ વીઘામાં કરી, જેમાં 14 લાખ જેટલી કમાણી થઈ. આગળ વધીને તેમણે કાકડી અને કાળીંગાનું વાવેતર 4 વીઘામાં કર્યું, જેમાં માત્ર 1 લાખના ખર્ચ સામે 6 લાખથી વધુની આવક મળી. આ તમામ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે આગોતરાં વાવેતરે એમના ખેતી મોડલને સંપૂર્ણપણે બદલાવી નાખ્યું છે.
નર્સરી વ્યવસ્થાપન: ખેડૂતનો નવો પ્રયોગ અને વધુ આવકનો સ્રોત
ડૉ. યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈએ પોતાના ખેતરમાં 70×70 માપની આધુનિક નર્સરી તૈયાર કરી, જેમાં આશરે 1.50 લાખનો ખર્ચ થયો. અહીં તેમણે ટ્રે, કોકોપીટ અને અળસી ખાતરના મિશ્રણથી ઉચ્ચ ગુણવત્તાવાળા ધરુ તૈયાર કર્યા. આ નર્સરીમાં તેઓએ 1 લાખ 80 હજાર જેટલા ફુલાવરના ધરુ તૈયાર કર્યા, જેને પોતાના 12 વીઘામાં વાવી 12 લાખ જેટલો નફો મેળવ્યો. નર્સરી પ્રોજેક્ટ તેમના માટે વધારાનો આવક સ્ત્રોત બની ગયો છે.

આગોતરી ખેતીથી જિલ્લાના અન્ય ખેડૂતોને માર્ગદર્શન
ડૉ. યોગેશ પવારે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે જોડાયેલા લોકોની સંખ્યા મોટી હોવાથી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી સતત માર્ગદર્શન આપવામાં આવે છે. દિનેશભાઈએ પણ એ જ માર્ગદર્શનમાં રહી આગોતરાં વાવેતરના તમામ પગલાઓ અનુસર્યા અને આજે તેમની આવક અનેકગણી બની ચૂકી છે. તેમણે જણાવ્યું કે જો અન્ય ખેડૂતો સીઝન પહેલાં પાક વાવવાની પદ્ધતિ અપનાવે તો તેઓ પણ સરળતાથી વધારે આવક મેળવી શકે છે.

