Edible Oil Price Hike: તહેવારની તૈયારી કરતા ઘરોના બજેટ ખોરવાયા
Edible Oil Price Hike: તહેવારોની શરૂઆત પહેલાં જ સામાન્ય પરિવારોને એક નવાં મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મગફળીના તેલ એટલે કે સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે રસોઈના ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.
સિંગતેલ પહોંચ્યું 2,500 રૂપિયા સુધી, મગફળીની ઘટી આવક જવાબદાર
સિંગતેલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં રૂ. 70-100નો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં 15 લિટરનો ડબ્બો લગભગ ₹2,500નો થઈ ગયો છે. આ સાથે કપાસિયા તેલમાં રૂ. 80-100 અને પામ ઓઈલમાં પણ રૂ. 50-60 સુધીનો ભાવ વધારો થયો છે. વેપારીઓ જણાવે છે કે, મગફળી અને કપાસના પાકને થયેલ વરસાદી નુકસાને સપ્લાયને અસર કરી છે, જેના પરિણામે ડિમાન્ડ વધતા ભાવ ઉંચા ગયા છે.
શ્રાવણ, ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા સિંગતેલ અને કપાસિયા તેલની ઊંચી કિંમતે ગૃહિણીઓ માટે રસોઈનું પ્લાનિંગ મુશ્કેલ બની શકે છે. ફરસાણના વેપારીઓ માટે પણ ઉત્પાદન ખર્ચ વધી જતાં વેચાણમાં ઘટાડો આવી શકે છે.
આયાતી તેલ પર પણ જોખમ, ભાવ વધુ ચડી શકે
સરકાર આયાતી તેલ પર ડ્યુટી વધારવાની વિચારણા કરી રહી છે. જો આવું થાય તો પામ ઓઈલ અને અન્ય આયાતી તેલના ભાવ પણ વધશે અને તેના અસરથી દેશી તેલ પણ મોંઘું થઈ શકે છે.
સરકારે ખેડૂતોને સહાયનો સંકેત આપ્યો
ખેડૂતોને વરસાદથી થયેલ નુકસાન અંગે સર્વે શરૂ કરાયો છે અને સરકાર દ્વારા સહાય અંગે વિચારણા ચાલી રહી છે. જો આવી નીતિઓ વહેલી તકે લાગુ નહીં થાય તો ભાવવધારાની સ્થિતિ તહેવારો સુધી યથાવત્ રહી શકે છે.