Gseb Hsc Result 2025: GSEB ધોરણ 12 બોર્ડ પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહમાં 93.7% અને વિજ્ઞાન પ્રવાહમાં 83.51% પરિણામ આવ્યું
Gseb Hsc Result 2025 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે 5 મે, 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહ જોવાની ઘડી પૂર્ણ થઈ છે.
વિજ્ઞાન પ્રવાહમાં કુલ પરિણામ 83.51% રહ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહે ઉત્તમ પરિણામ આપતાં 93.7%નો પાસિંગ રેટ નોંધાવ્યો છે. આ વર્ષે કુલ 4.23 લાખ વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ માત્ર 59% નોંધાતા તે છેલ્લે સ્થાન પર રહ્યો. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાએ સૌથી શ્રેષ્ઠ 97.20% પરિણામ આપ્યું છે, જ્યારે વડોદરા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ GSEB ની વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને જોઈ શકે છે. સાથે જ WhatsApp નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવવાનું સુવિધા ઉપલબ્ધ છે.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પહેલા જ જાહેર કરેલું કે પરીક્ષાનું પરિણામ આજે સવારે 10:30 વાગ્યે જાહેર થશે. ફેબ્રુઆરી-માર્ચ 2025 દરમિયાન લેવાયેલી વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી પ્રવાહો ઉપરાંત ગુજકેટ અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાઓનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવ્યું છે.
ગોંડલ પરીક્ષા કેન્દ્રનું સૌથી શ્રેષ્ઠ પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીનીઓએ પણ આ વર્ષે ખૂબ સારી કામગીરી કરી છે. પરિણામને અનુરૂપ હવે શાળાઓમાં ગુણપત્રક અને પ્રમાણપત્રોની વહેંચણી વિશે માહિતી બોર્ડ દ્વારા ત્યારપછી આપવામાં આવશે.
આવતો સમય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ રહેશે, ખાસ કરીને કોલેજ પ્રવેશ માટે. પરિણામ જોઈને વિદ્યાર્થીઓએ હવે આગળના અભ્યાસ માટે યોજના બનાવવી જોઈએ.