રાજુલા, જાફરાબાદ વિધાનસભામાં કોળી સમાજનુ પ્રભુત્વ હોવાને કારણે પરષોત્તમ સોલંકીની અવર-જવર વધી.
કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચ્યાં.અમરેલીના 98 રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી કોળી સમાજનું વર્ચસ્વ વધારવા અને સંગઠન મજબૂત કરવા માટે યુવાનો સાથે સતત દોડદોડી કરી રહ્યા છે.
આ દરમિયાન રવિવારે મોડી રાતે હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પૂર્વ મંત્રી ઘોઘાના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીએ અચાનક મુલાકાત કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ રચાઈ હોવાની ચર્ચા થઈ હોવાની શક્યતા છે. બીજી તરફ આ સમાચાર મળતા કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચી ગયા હતા.આ વિસ્તારમાં કોળી સમાજના સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હોવાની સંભાવના છે. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે.રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાસ કરીને કોળી સમાજમાં પરષોત્તમ સોલંકીની લોકપ્રિયતા હોવાને કારણે તેમની અવર-જવર વધી હોવાનુ સામે આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તે પહેલા કોળી સમાજની રણનીતી ફરી તેજ થઈ હોવાનુ મનાય છે. હીરા સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજ સંગઠન સાથે જોડાયેલા અનેક યુવાનો પહોંચ્યાં હતા.
પરષોત્તમ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશ સોલંકીની સતત આ વિસ્તારમાં અવર-જવર વધી રહી છે. કોળી સમાજ સમૂહ લગ્નમાં પણ પુત્ર દિવ્યેશ મોટાભાગે હાજરી આપતા જોવા મળ્યા છે. જ્યારે પરષોત્તમ સોલંકી કેટલાય સમયથી બીમાર હતા, પરંતુ હાલ સ્વચ્છ થતા તેમની દોડધામ હવે વધી રહી છે.આ મુદ્દે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મોટાભાઈ ઘરે આવ્યાં તેની જાણ યુવાનોને થતા તેઓ ઘરે દોડી આવ્યાં હતા. મોટાભાઈ પ્રત્યે યુવાનોને ખુબ લાગણી છે. કોળી સમાજ સંગઠનને લઈ યુવાનો સતત મહેનત કરી રહ્યા છે. જોકે, રાજકીય કોઈ ચર્ચા થઈ નથી.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર હીરા સોલંકીનો પરાજય થયો હતો. જોકે, હાલ હીરા સોલંકી તેમની ટીમ સાથે કેટલાક સમયથી તૈયારી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. રાજુલા વિધાનસભામાં આગામી દિવસોમાં પરષોત્તમ સોલંકી વધુ સક્રિય થાય તેવા સંકેતો હાલ જોવા મળી રહ્યા છે.પરષોત્તમ સોલંકી બીમાર હોવાને કારણે સરખી રીતે ચાલવામાં તકલીફ પડે છે જેથી કોળી સમાજના યુવાનો હાથ પકડીને ટેકો આપીને લઈ જાય છે. જાફરાબાદમાં સામાન્ય કાર્યકરના ઘરે પરષોત્તમ સોલંકી પહોંચ્યાં હતા.