અંતરિક્ષમાં અરીસા મુકીને ગ્લોબલ વોર્મિંગ રોકાશે? એલોન મસ્કના આ શાનદાર વિચારથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!
ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્કે એક ગંભીર ઈશારો કરતા ચેતવણી આપી છે કે ભવિષ્યના આબોહવા પરિવર્તન (Climate Change) અને માનવજાત પર તોળાતા લુપ્ત થવાના જોખમોથી બચવા માટે માત્ર અક્ષય ઊર્જા (Sustainable Energy) પૂરતી નથી. તેમણે જણાવ્યું છે કે પૃથ્વીને બચાવવા માટે ભવિષ્યમાં મોટા પાયે ‘જીઓએન્જિનિયરિંગ’ (Geoengineering) અને અંતરિક્ષ આધારિત સેટેલાઇટ ટેકનોલોજીની જરૂર પડી શકે છે.
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “પૃથ્વી પર દર 10 કરોડ વર્ષે અત્યંત ગંભીર અને વિનાશક લુપ્તતાની ઘટનાઓ (Extinction Events) બને છે. માત્ર ગ્રીન એનર્જી કે સસ્ટેનેબલ એનર્જી અપનાવવાથી આ વિનાશને રોકી શકાશે નહીં.”
મૂન માસ ડ્રાઇવર અને લાગ્રાંજ પોઇન્ટ્સ: મસ્કનો અનોખો પ્લાન
એલોન મસ્કે ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વીનું વધતું તાપમાન રોકવા માટે એક અત્યંત મહત્વાકાંક્ષી અને કાલ્પનિક ઉકેલ રજૂ કર્યો છે. તેમણે સૂચવ્યું કે, “ચંદ્રા ની સપાટી પરથી ‘માસ ડ્રાઇવર્સ’ (Mass Drivers) દ્વારા પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા ‘લાગ્રાંજ પોઇન્ટ્સ’ (Lagrange Points) પર સમઝદાર/સેન્ટિએન્ટ સેટેલાઇટ્સ લોન્ચ કરી શકાય છે. આ ટેકનોલોજી આગામી 1 અબજ વર્ષો સુધી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે.”
Extremely severe extinction events happen every 100M years or so and just switching to sustainable energy will not be enough to stop them.
Space satellites to control temperature and massive geo-engineering will be needed or it will be game over. https://t.co/y4QwutjXce https://t.co/2DOLndts8I
— Elon Musk (@elonmusk) August 30, 2026
મસ્કનો આ પ્રસ્તાવ હાલમાં માત્ર એક સદ્ધાંતિક અને કલ્પના આધારિત વિચાર છે, જે વર્તમાન આબોહવા ઉકેલોમાં સમાવિષ્ટ નથી. સ્પેસ-આધારિત સોલર રિફ્લેક્ટર્સ (સૂર્યના કિરણોને પાછા ફેંકતા અરીસા) અને સોલર રેડિયેશન મેનેજમેન્ટ અંગે વૈજ્ઞાનિક સ્તરે વિભાવનાત્મક અભ્યાસ ચોક્કસ થયો છે, પરંતુ મસ્ક જે સ્તરની સિસ્ટમનું વર્ણન કરી રહ્યા છે તે માટે જરૂરી ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય કરારો હાલના તબક્કે અસ્તિત્વમાં નથી.
મસ્કની 50 વર્ષની ચેતવણી: દરિયાઈ સપાટી વધવાનું જોખમ
એલોન મસ્કે માત્ર સુદૂર ભવિષ્યની જ નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં દરિયાઈ સપાટીમાં થઈ રહેલા વધારા (Sea-Level Rise) અંગે પણ તાકીદ કરી છે. તેમણે લખ્યું કે, “જો લોકો આજે જ્યાં દરિયાકિનારો છે ત્યાં જ રહેવા માગતા હોય, તો આપણે આ દિશામાં ખૂબ ઝડપથી કામ કરવું પડશે.”
તેમણે ઉમેર્યું કે, “આપણી પાસે આ ક્ષેત્રે પગલાં લેવા માટે અંદાજે 50 વર્ષ જેટલો સમય છે. આટલો સમય અંતરિક્ષ સેટેલાઇટ્સ દ્વારા તાપમાન વધવાની કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતો હોવો જોઈએ.” મસ્કનું માનવું છે કે જો આગામી અડધી સદીમાં યોગ્ય ટેકનોલોજી વિકસાવવામાં નહીં આવે, તો દરિયાકિનારે આવેલા અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે.
ફ્લોરિડાનો 5% હિસ્સો પાણીમાં જશે: ગ્રોક (Grok)નું આંકડાકીય વિશ્લેષણ
પોતાની વાતને સાબિત કરવા માટે મસ્કે તેમના AI મોડેલ ‘Grok’ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક વિશ્લેષણ પણ શેર કર્યું હતું. આ વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય ક્યારે અને કેટલું પાણીમાં ડૂબી શકે છે.
અહેવાલ મુજબ, જો દરિયાઈ સપાટીમાં ઝડપથી વધારો થવાનો ઊંચો અંદાજ (High sea-level rise scenario) સાચો પડે, તો વર્ષ 2070 સુધીમાં ફ્લોરિડાની લગભગ 5% જમીન પાણીમાં ગરકાવ થઈ શકે છે.
આ એનાલિસિસમાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના ‘સેન્ટર ફોર લેન્ડસ્કેપ કન્ઝર્વેશન પ્લાનિંગ’ અને ‘1000 ફ્રેન્ડ્સ ઓફ ફ્લોરિડા’ દ્વારા વર્ષ 2025માં કરવામાં આવેલા એક સંશોધનનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. આ અભ્યાસ અંદાજ લગાવે છે કે જો દરિયાઈ સપાટી માત્ર 0.9 મીટર (3 ફીટ) પણ વધે છે, તો ફ્લોરિડાની અંદાજે 16.8 લાખ એકર જમીન જળમગ્ન થઈ જશે.
