IND vs PAK માં હેન્ડશેક વિવાદનો અંત! મેદાનની વચ્ચે ખેલાડીઓએ કર્યા હાઈ-ફાઈવ, તસવીરો થઈ વાયરલ
એશિયા કપ અને ત્યારબાદ મહિલા વન-ડે વિશ્વ કપથી પેદા થયેલા હેન્ડશેક વિવાદનો અંત સુલ્તાન જોહર કપમાં આવી ગયો છે. બંને ટીમના ખેલાડીઓએ મેદાનની વચ્ચે હાઈ-ફાઈવ કર્યું. ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં ભારતીય ટી-૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન અને ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રણેય મેચોમાં હેન્ડશેક વિવાદે જોરદાર ચર્ચા જગાવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાડોશી દેશના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ મહિલા વન-ડે વિશ્વ કપમાં પણ ભારત અને પાકિસ્તાન ટીમના કેપ્ટનોએ એકબીજા સાથે હેન્ડશેક કર્યું ન હતું.
જોકે, મલેશિયામાં રમાઈ રહેલા સુલ્તાન જોહર કપમાં આ વિવાદનો અંત આવતો જોવા મળ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાઈ-ફાઈવ કરતા જોવા મળ્યા. આ દ્રશ્ય જોયા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સની ભરમાર થવા લાગી છે.
ખતમ થયો હેન્ડશેક વિવાદ!
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ‘નો હેન્ડશેક’ વિવાદનો અંત સુલ્તાન જોહર કપમાં આવી ગયો છે. મલેશિયામાં ભારતની પુરુષ જુનિયર હોકી ટીમ પાકિસ્તાન સામે ટકરાઈ રહી છે. મેચની શરૂઆતમાં બંને ટીમના ખેલાડીઓએ હેન્ડશેક તો ન કર્યું, પરંતુ હાઈ-ફાઈવ કરતા જરૂર જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં ભારતીય પર્યટકો પર થયેલા હુમલા અને ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો ખૂબ જ બગડી ચૂક્યા છે.
આ જ કારણ હતું કે એશિયા કપ ૨૦૨૫માં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી હતી. ટૉસના સમયે બંને ટીમના કેપ્ટનોએ હાથ નહોતા મિલાવ્યા. વળી, મેચ પછી પણ ખેલાડીઓએ હેન્ડશેક નહોતું કર્યું. ટીમ ઇન્ડિયાના આ વર્તન અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)માં ફરિયાદ પણ કરી હતી.
Indian 🇮🇳 and Pakistani 🇵🇰 players had a hand shake before the start of Sultan of Johor Cup Hockey Match 😮 pic.twitter.com/gWMutT6ote
— Richard Kettleborough (@RichKettle07) October 14, 2025
મહિલા વર્લ્ડ કપમાં પણ ‘નો હેન્ડશેક’ ચાલુ હતું
માત્ર એશિયા કપમાં જ નહીં, પરંતુ મહિલા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૫માં પણ ભારત અને પાકિસ્તાનની ખેલાડીઓએ એકબીજા સાથે હાથ નહોતા મિલાવ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસના સમયે ફાતિમા સના સાથે હેન્ડશેક નહોતું કર્યું. એવું માનવામાં આવતું હતું કે હોકીમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળશે. પાકિસ્તાન હોકી ફેડરેશને પોતાના ખેલાડીઓને હેન્ડશેક વિવાદને લઈને માનસિક રીતે તૈયાર રહેવાની અગાઉથી જ હિમાયત આપી હતી.