આમિર ખાનની ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના ફીમેલ વર્ઝનની વાત ઘણા સમયથી ચાલી રહી છે અને હવે આમિર ખાન પણ માને છે કે આ એક ગ્રેટ આઇડિયા છે.ફરહાન અખ્તરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આમિરની સાથે સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાએ પણ કામ કર્યું હતું. આ વિશે આમિર કહે છે, ‘મને લાગે છે કે આ એક ગ્રેટ આઇડિયા છે. ત્રણ છોકરીઓ વચ્ચેના બૉન્ડને ઑનસ્ક્રીન જોવાની ખૂબ જ મજા આવશે.’
‘દિલ ચાહતા હૈ’ના ફીમેલ વર્ઝનમાં આમિર તેની ‘દંગલ’ની કો-સ્ટાર ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાને જોવા માગે છે. આ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘ફિલ્મની કાસ્ટિંગ સ્ક્રિપ્ટના આધારે થાય છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણીબધી સારી-સારી અભિનેત્રીઓ છે. ત્રણમાંથી બે અભિનેત્રીઓ તરીકે ફાતિમા અને સાન્યાને પસંદ કરવામાં આવે એવું હું ઇચ્છું છું. તેમની જે ઉંમર છે એ જ ઉંમર વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ‘દિલ ચાહતા હૈ’નું એજ-ગ્રુપ ખૂબ જ યંગ હતું. ભૂલી જાઓ કે મેં જ્યારે આ ફિલ્મ કરી હતી ત્યારે હું ૩૭ વર્ષનો હતો. આ એક ભૂલ હતી, પરંતુ અમે ફિલ્મને હિટ બનાવવા માટે સફળ થયા હતા. તમે એકની એક ભૂલ બીજી વાર ન કરી શકો. તેથી તમારે જે અભિનેત્રીઓની ઉંમર ૨૦ વર્ષની આસપાસ હોય તેમને જ પસંદ કરવી જોઈએ.’