સમાજ-સેવિકા સુનીતા કૃષ્ણન ‘કેબીસી 11’ના કર્મવીર એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જેમાં સુનીતા પોતાની વિતકકથા બિગ બીને કહે છે. સુનીતાએ કહ્યું હતું કે તે જ્યારે 15 વર્ષની હતી, ત્યારે 8 લોકોએ તેની પર રેપ કર્યો હતો. આ સાંભળીને બિગ બીને નવાઈ લાગી હતી. સુનીતા એનજીઓ પ્રજ્જવલાની મુખ્ય અધિકરી તથા સહ-સંસ્થાપક છે. આ એનજીઓ યૌન તસ્કરીની શિકાર મહિલાઓ તથા યુવતીઓનો બચાવ તથા તેમના પુનર્વસન માટે કામ કરે છે.
1. 17 વાર જીવલેણ હુમલા થયા
‘કેબીસી’ના પ્રોમોમાં સુનીતાએ કહ્યું હતું કે કામને કારણે અત્યાર સુધી તેની પર 17 વાર જીવલેણ હુમલા થયા છે. જોકે, તે મરવાથી ક્યારેય ડરતી નથી. તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી અન્ય યુવતીઓને બચાવવાનું કામ કરશે.
2. 22 હજારથી વધુ મહિલા-યુવતીને આઝાદ કરાવ્યાં
પ્રોમોમાં બિગ બીએ સુનીતા અંગે કહ્યું હતું કે તેણે 22 હજારથી વધુ મહિલાઓ તથા યુવતીઓને યૌન તસ્કરીમાંથી આઝાદ કરાવી છે. ક્યારેય હાર ના માનનાર કર્મવીર સુનીતા કૃષ્ણનજીને તે નમન કરે છે.
3. નાનપણથી સમાજસેવાનો શોખ
બેંગાલુરુમાં જન્મેલી સુનીતાને નાનપણથી સમાજસેવાનો શોખ છે. જ્યારે તે 8 વર્ષની હતી ત્યારથી જ તેણે માનસિક રીતે દિવ્યાંગ બાળકોને ડાન્સ શીખવવાનું શરૂ કર્યું હતું. 12 વર્ષની ઉંમરમાં વંચિત બાળકો માટે ઝૂંપડપટ્ટીમાં સ્કૂલ ચલાવતી હતી.
4. પુરુષ પ્રધાન સમાજને એક મહિલાની દખલગીરી પસંદ નહોતી
15ની ઉંમરમાં જ્યારે તે દલિત કમ્યુનિટી માટે સાક્ષરતા અભિયાન ચલાવતી હતી ત્યારે 8 લોકોએ તેની પર દુષ્કર્મ કર્યું હતું. પુરુષ પ્રધાન સમાજમાં એક મહિલાની દખલગીરી તેમને પસંદ નહોતી અને તેથી જ તેની પર રેપ કરવામાં આવ્યો હતો.
5. કાનમાં ઈજા થતાં ઓછું સંભળાય છે
સુનીતાને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો, જેને કારણે તેના એક કાનને નુકસાન થયું હતું અને તેને ઓછું સંભળાય છે. જોકે, સુનીતાએ ક્યારેય હાર માની નથી અને તે સમાજસેવાનું કામ કરે જાય છે. 2016મા તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.