આપણે ત્યાં હસ્તરેખા શાસ્ત્રમાં દરેક વ્યક્તિની કિસ્મત કેવી છે તે અંગે સચોટ માહિતી આપવામાં આવી છે. કિસ્મતનું કનેક્શન ખાસ આ હાથ પર રહેલી રેખાઓમાં રહેલું હોય છે. હસ્તરેખા પરથી વ્યક્તિના ભાગ્ય વિશે જાણી શકાય છે. દરેક વ્યક્તિની હથેળીમાં અગણિત રેખાઓ હોય છે. આ રેખાઓ પરથી જાણી શકાય છે કે જીવનમાં ક્યારે ધન લાભનો યોગ બનશે. આજે તમે પણ જાણી અને જોઈ લો તમારી હથેળીની રેખાઓ ક્યારે તમને કરોડપતિ બનાવશે.
જેના હાથની આંગળીઓ લાંબી હોય અને તેના વેઢા એકસરખાં હોય તો તે ભાગ્યશાળી હોય છે. આ ઉપરાંત હથેળીમાં ભાગ્યરેખાની બે શાખા નીકળતી હોય તો આવા લોકોને અચાનક ધનલાભ થાય છે. તેમને વધારે મહેનત કરવી પડતી નથી. ધાર્યુ પરિણામ મળે છે અને કાર્યદક્ષતા પ્રાપ્ત થાય છે.
હથેળીમાં જીવન રેખા ગોળાકાર આકૃતિમાં હોય અને મધ્યમા આંગળી નીચેનું સ્થાન એટલે કે શનિ પર્વત ઉન્નત અવસ્થામાં હોય તેમજ બુધ રેખા પણ સુદ્રઢ હોય તો આવા લોકોને તેમની મહેનતથી અઢળક ધન પ્રાપ્ત થાય છે. ચંદ્ર પર્વત વિકસિત હોય તથા ચંદ્ર પર્વતથી કોઈ રેખા નીકળી અને ભાગ્ય રેખા સાથે જોડાતી હોય તો આવા જાતક વિદેશ જઈ અને ધન કમાય છે.
જો કોઈની હથેળીમાં જીવન રેખા અને મંગળની રેખા સાથે સાથે ચાલતી હોય અને ગુરુ પર્વત ઉન્નત અવસ્થામાં હોય તો આવા જાતક પણ કરોડપતિ બને જ છે. જો કોઈના હાથમાં ભાગ્ય રેખા સીધી શનિ પર્વત સુધી પહોંચતી હોય અને સૂર્ય પર્વત પર બે રેખા હોય તો આવા જાતક પણ મોટી સંપત્તિના માલિક હોય છે.
ભાગ્ય રેખા પાતળી અને સીધી હોય શનિ પર્વત સુધી જતી હોય, ભાગ્ય રેખાની કોઈ શાખા ચંદ્ર પર્વત સુધી જતી હોય તો આવા વ્યક્તિને મહેનતનું ફળ મળે છે અને તેઓ કરોડપતિ બને છે. મસ્તિષ્ક રેખા એકદમ ગાઢ હોય, વિવાહ રેખા સીધી ગુર પર્વત સુધી જતી હોય તો આવા જાતકોને સાસરાપક્ષ તરફથી ધન પ્રાપ્ત થાય છે.
ભાગ્ય રેખા, બુધ રેખા, મસ્તિષ્ક રેખા એકબીજાને સ્પર્શતી હોય અને તેનાથી ત્રિકોણની આકૃતિ બનતી હોય તો આવા જાતક ધનવાન અવશ્ય બને છે. હથેળીમાં બુધ રેખા મણિબદ્ધથી નીકળી બુધ પર્વત સુધી જતી હોય, મધ્યમા આંગળી સીધી હોય અને ભાગ્ય રેખા પાતળી અને શનિ પર્વત સુધી જતી હોય તો આવા લોકો વેપાર કરીને ધન કમાવામાં સફળ થાય છે. આવા લોકો ઉદ્યાગપતિ બને છે.