‘તારક મહેતા’માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમ સંસ્કાર આજે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી હાજર રહ્યા હતા.
હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીંયા જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
નટુકાકાની અંતિમ યાત્રા સવારે સાડ આઠ વાગે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળશે અને નવ વાગે કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્માશનમાં અંતિમ સંસ્કારમાં કરવામાં આવશે.
છેલ્લાં કેટલાંક સમયથી કેન્સર હતું
નટુકાકા છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની સારવાર કરાવતા હતા. ગયા વર્ષે તેમના ગળાના ભાગે આઠ ગાંઢો કાઢવામાં આવી હતી અને પછી તેમણે કિમોથેરપી લીધી હતી. તેઓ કેન્સર ફ્રી થઈ ગયા હતા. જોકે, થોડાંક મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરી વાર કિમોથેરપી કરાવી હતી.
છેલ્લે ચહેરા પર સોજા આવી ગયા
થોડાં સમય પહેલાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પપ્પાને ચહેરા પર સોજો આવી ગયો હતો અને તેથી જ તે વધુ વાત કરતાં નથી.
કિમો સેશનની વચ્ચે ઘનશ્યામ નાયકે દમણ જઈને ટીવી સિરિયલ ‘તારક મહેતા…’નું શૂટિંગ કર્યું હતું. ઘનશ્યામ નાયક દીકરા વિકાસ સાથે અહીં શૂટિંગ માટે આવ્યા હતા. આ દરમિયાન શ્યામ પારેખ (પત્રકાર પોપટલાલ)નો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સેટ પર નટુકાકા માટે અલગથી કેક પણ મગાવવામાં આવી હતી.