મુંબઈ : અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું હતું અને કહ્યું હતું કે ધ બિગ બુલ 23 ઓક્ટોબરે રિલીઝ થશે. પોસ્ટરમાં અભિષેકનો લુક તમને મણિરત્નમની ફિલ્મ ‘ગુરુ’ની યાદ અપાવશે.
કુકી ગુલાટી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ બિગ બુલ 1992 માં ભારતીય શેર બજારના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, બિગ બુલનું બિરુદ હર્ષદ મહેતા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, જે આ કૌભાંડનો મુખ્ય આરોપી હતો. હર્ષદે ઘણા આર્થિક ગુના કર્યા હતા. અભિષેક બચ્ચન બિગ બુલમાં હર્ષદ મહેતાની ભૂમિકામાં છે. ઇલિયાના ડિક્રુઝ તેની સામે છે. અજય દેવગન અને આનંદ પંડિત આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
અભિષેકનો લૂક ફેન્સને પણ ગમ્યો છે. કેટલાક ચાહકોએ તેના લુકની તુલના ફિલ્મ ગુરુના તેના લુક સાથે કરી છે. ગુરુમાં પણ અભિષેક બચ્ચન એક ઉદ્યોગપતિની ભૂમિકામાં હતો.