નવી દિલ્હી : બિગ બોસમાંથી ખ્યાતિ મેળવનાર અભિનેતા એઝાઝ ખાનની ગત દિવસોમાં એક વિવાદિત વીડિયોના પગલે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર બે અલગ અલગ સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવાનો આરોપ હતો. જામીન પર બહાર આવી ગયેલા એઝાઝ ખાને શુક્રવારે ફેસબુક પર લાઈવ કરી ભાજપના વખાણ કર્યા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં એઝાઝે કોંગ્રેસને ખુબ વખોડતા કહ્યું કે, “આપણે લોકોએ ભાજપના વખાણ કરવા જોઈએ. કદાચ કોઈએ એ નોટિસ નહીં કર્યું હોય પરંતુ મે નોટિસ કર્યું. તો જુઓ, સારાને સારું કહો અને ખોટાને ખોટું કહો. એ જ આપણું કામ છે.”
એઝાઝે ઉમેર્યું કે, “કોંગ્રેસના શાસનમાં જે મુસલમાનો 20-20 વર્ષ, 18-18 વર્ષ, પહેલા આતંકવાદી ગણીને જેલમાં બંધ કરાયા હતાં તેઓ આ વખતે ભાજપના શાસનમાં નરેન્દ્ર મોદીજી અને અમિત શાહના શાસનમાં જેલમાંથી છોડી મૂકાયા છે. તે સમયે તો ભાજપનું શાસન ન હતું. ત્યારે તો કોંગ્રેસ હતી. ત્યારે તો નરેન્દ્ર મોદી પણ ન હતા અને અમિત શાહ પણ ન હતા. તેમને આતંકવાદી બનાવીને કોઈ પણ પુરાવા વગર આ લોકોને જેલમાં નાખી દેવાયા હતાં તેઓ હવે ભાજપના શાસનમાં છૂટીને આવી રહ્યાં છે.”
એઝાઝે કહ્યું કે, “આ પોઈન્ટ તમે લોકોએ નોટિસ નથી કર્યો તો આ જે ન્યૂઝ ચાલી રહ્યાં છે કે આટલા વર્ષોનો ન્યાય, તે ન્યાય ભાજપ પાસે ન માંગી શકાય પરંતુ આપણે કોંગ્રેસ પાસે માંગવાનો છે. વાઈરલ મેસેજમાં કેટલાક લોકો નરેન્દ્ર મોદીજી અને અમિત શાહને સવાલ કરી રહ્યાં છે, તે સમયે તેમની સત્તા નહતી. 20 વર્ષ પહેલા સત્તા કોઈ બીજાની હતી. તો દેખાડા પર ન જાઓ. તમારી બુદ્ધિ ચલાવો. હું જોઈ રહ્યો છું કે જે ચીજો વાઈરલ થઈ રહી છે, જયપુરથી 5 છૂટ્યા, કાશ્મીરથી 3-4 છૂટ્યા, અમદાવાદ, રાજસ્થાન… જ્યાં જ્યાંથી લોકો છૂટ્યા તેમનો ન્યાય જો આપણે ભાજપ પાસેથી માંગીએ તો તે બે મોઢાની વાત થશે, તેમનો ન્યાય આપણે કોંગ્રેસ પાસેથી માંગવાનો છે.”