આજે મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે કોરોનાની મહામારીમાં એક તો નિરાશા ફેલાઈ રહી છે અને ઉપરથી તહેવારોને કારણે ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે નવરાત્રીની ઉજવણી મામલે ડોક્ટર અને કલાકારો આમને સામને આવી ગયા છે. મહામારીને રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. અને નવરાત્રી સહિતના ઉજવણીના કાર્યક્રમમાં તે શક્ય નથી ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ મામલે ઘમાસાણ મચ્યુ છે.
ગરબાપ્રેમીઓ અને ગરબાના કાર્યક્રમ કરી પોતાનું રોજગાર ચલાવતા કેટલાક લોકો દ્વારા નવરાત્રી પર રોક ને લઈને તમામ દોષનો ટોપલો ડોકટર્સ ઉપર ઢોળતા, ડોકટર્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો. ડોકટર્સ વિરુદ્ધ અણછાજતી પોસ્ટ કરતા બબલુ અમદાવાદી નામના શખ્સે તબીબો વિરુદ્ધ પોસ્ટ કરી હતી. સમગ્ર મામલે ડોકટર્સ દ્વારા ફરિયાદ થતા ફેસબુક પરથી પોસ્ટ ડીલીટ કરવામાં આવી.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ CMને પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. કોરોના કાળમાં ડોક્ટરો સતત મહેનત કરે છે. દેશમાં 500થી વધુ ડોક્ટરોનું કોરોનાથી મૃત્યુ થયુ છે. નવરાત્રીને લઇ સરકારનું ધ્યાન દોરવું અમારી ફરજ છે. તબીબને બદનામ કરનાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર પાંચ તબીબોનો વિરોધ કરાયો છે. 5 ડોક્ટરોના નામ સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ વાયરલ કરી છે. જેમાં ડો. મોના દેસાઈ, ડો.મુકેશ મહેશ્વરી, ડો.વસંત પટેલ, ડો.મીતાલી વસાવડા અને ડો.પ્રભાકર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ ડોક્ટરોના ઘરે અને ક્લિનિક પર કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી. કોરોનામાં જાહેરહિત માટે સરકારને ગરબાની પરવાનગી ના મળે તેવી અપીલ કરનાર ડોક્ટરોએ સોશિયલ મીડિયામાં થઈ રહેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ વ્યક્ત કર્યો હતો.