મુંબઈ : અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના નામ અંગે ચાલી રહેલા વિવાદ બાદ આખરે ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનું ટાઇટલ બદલી નાંખ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવતા મહિને રિલીઝ થનારી આ ફિલ્મનું નામ હવે લક્ષ્મી રાખવામાં આવ્યું છે. અક્ષયની આ ફિલ્મ તાજેતરના સમયમાં ઘણા વિવાદોનો સામનો કરી ચૂકી છે.
આ ફિલ્મ પહેલા તેના શીર્ષક લક્ષ્મીબોમ્બ માટે ટ્રોલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસમાં આ ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગ કરવામાં આવી છે.
આ કાનૂની નોટિસ અનુસાર, ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ નું શીર્ષક માતા લક્ષ્મીનો તદ્દન અનાદર છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીનું નામ બોમ્બ સાથે જોડવાથી હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ સાથે જ વરિષ્ઠ અભિનેતા મુકેશ ખન્નાએ પણ ફિલ્મની ટીકા કરી હતી અને પૂછ્યું હતું કે શું ફિલ્મના શીર્ષક સાથે અલ્લાહ અથવા ઈસુના નામનો ઉપયોગ કરી શકાય છે?
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 2011 ની તમિલ ફિલ્મ કંચનાની રિમેક છે. આ ફિલ્મનું શીર્ષક કેમ બદલવામાં આવ્યું તે અંગે વાત કરતાં ડિરેક્ટર રાઘવ લોરેન્સે જણાવ્યું હતું કે તમિલ ફિલ્મનું ટાઇટલ કંચના ફિલ્મના મુખ્ય પાત્ર પર રાખવામાં આવ્યું હતું. કંચના એટલે સોનું, જેનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે.