એકશન સ્ટાર અક્ષય કુમાર પોતાની ફિલ્મના સ્ટંટ દ્રશ્યો જાતે જ ભજવવા માટે જાણીતો છે. હાલ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન તેને સેટ પર ઇજા પહોચી હતી. સૂત્રના જણાવ્યા પ્રમાણે રોહિત શેટ્ટીની ફિલ્મના શૂટિંગ વખતે અક્ષય કુમારનો ડાબો હાથ મચકોડાઇ ગયો છે. તેના ફિઝિયોથેરપિસ્ટે તરત જ સારવાર આપી હતી. આ પછી અક્ષયે શૂટિંગ ફરી શરૃ કર્યું હતું. અક્ષયે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેયર કર્યો છે, જેમાં તેના હાથમાં ઇજા નજરે ચડે છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. જોકે આ ઘટનાની સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી નથી.
આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બેંગકોક, મુંબઇ અને હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ક્લાઇમેક્સમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ જોવા મળવાના છે. અક્ષય સાથે આ ફિલ્મમાં કેટરિના રોમાન્સ કરતી જોવા મળશે.