મુંબઈ : હાલના દિવસોમાં આલિયા તેની આગામી ફિલ્મ ‘કલંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન, આલિયા ભટ્ટએ જાહેર કર્યું કે, તે લોકસભા ચૂંટણીમાં મત આપી શકશે નહીં. આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યું હતું.
આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર એક ન્યુઝ ચેનલમાં લેવામાં આવેલા આ ઇન્ટરવ્યૂમાં સામેલ હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ સંસદીય ચૂંટણી મત આપવા જશે કે નહીં ? આ પ્રશ્નનો જવાબ આપતા વરુણ, સોનાક્ષી અને આદિત્યએ કહ્યું કે હા અમે વોટ આપવા જરૂર જઈશું અને તે ખૂબ મહત્વનું છે. વરુણ કહે છે કે આપણે આપણી બધી ફરજો પરિપૂર્ણ કરવી જોઈએ, અમે જરૂર મત આપીશું. પરંતુ આલિયા ભટ્ટ ધીમેથી કહે કે તે આ ચૂંટણીમાં મત આપી શકશે નહીં કારણ કે, તેની પાસે ભારતનો પાસપોર્ટ નથી.
આલિયા પાસે બ્રિટીશ પાસપોર્ટ છે. આલિયા એક બ્રિટીશ નાગરિક છે. તેમની માતા સોની રાજદન પણ બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, તે પોતાનો મત ત્યારે આપી શકે જયારે તેની પાસે ભારતીય નાગરિકત્વ હોય અને તેને ભારતીય પાસપોર્ટ મળી જાય.
બીજી બાજુ આલિયાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો 17 એપ્રિલે તેની ફિલ્મ ‘કલંક’ રિલીઝ થશે. આ ફિલ્મમાં વરુણ ધવન, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે આલિયાની બે મોટી ફિલ્મો રિલિઝ થઈ રહી છે. જેમાં એક ‘કલંક’ અને બીજી ‘બ્રહ્માસ્ત્ર’નો સમાવેશ થાય છે. ‘બ્રહ્માસ્ત્ર’ વિશે વાત કરીએ તો આલિયા આ ફિલ્મમા રણબીર કપૂર સાથે જોવા મળશે. બંને પહેલી વખત સ્ક્રીનો શેર કરવા જઈ રહ્યા છે. ફિલ્મ અયાન મુખર્જી દિગ્દર્શિત છે. નોંધનીય છે કે, આલિયા અને રણબીર એકબીજાને પ્રેમ કરે છે અને તેમના લગ્નને લઈને હંમેશા ચર્ચા ચાલતી રહે છે.