અમિતાભ બચ્ચન ખરાબ હવામાનને કારણે ચંદીગઢથી મનાલી કારમાં ગયા હતાં. અહીંયા તેઓ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરશે. અમિતાભે આ મુસાફરી બાદ બ્લોગમાં કહ્યું હતું કે તેમનું શરીર હવે રિટાયર થવાના સંકેતો આપી રહ્યું છે.
અમિતાભ બચ્ચન ચંદીગઢથી મનાલી કારમાં જવા રવાના થયા હતાં. આ દરમિયાન તેઓ બિલાસપુર સર્કિટ હાઉસ રોકાયા હતાં. સર્કિટ હાઉસમાં પોલીસ કમિશનર તથા કલેક્ટરે તેમનું સ્વાગત કર્યું હતું. ચાહકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. થોડો સમય રોકાઈને અમિતાભ બચ્ચન મનાલી જવા રવાના થયા હતાં. બિગ બીએ બ્લોગમાં સ્થાનિક લોકોની આગતા-સ્વાગતાના વખાણ કર્યાં હતાં અને તેઓ તેમની સાદગીથી અભિભૂત થયા હતાં. અમિતાભે કહ્યું હતું, ‘શાંત.. તાજગી સભર.. શિયાળાનો અહેસાસ.. શુદ્ધતા… આરામ અને પાંચ વાગ્યાથી અત્યાર સુધી.. રસ્તામાં સાલસતા અને આનંદનો અનુભવ કર્યો…નાનકડાં નગરોની સાદગી અગ્રસ્થાને…ઉદાર આતિથ્ય ભાવના…આપણે ક્યારેય તેમની પ્રામાણિકતા તથા સાદગીની બરોબરી કરી શકીશું નહીં…’
અમિતાભે આગળ કહ્યું હતું, ‘રસ્તાઓ પર જે પણ ઊભા રહ્યાં તે તમામનો આભાર…કારમાં લગભગ 12 કલાકની મુસાફરી… રિપેર કરેલા રસ્તાઓ એકદમ લીસા…નવું વાતાવરણ અને રૂમમાં ફરીવાર એડજસ્ટ થવાનું. મારે નિવૃત્તિ લેવી જ જોઈએ… મન કંઈક બીજું વિચારે છે અને આંગળીઓ કંઈક અલગ જ વિચારે છે..આ એક સંદેશ છે…’
થોડાં દિવસ મનાલીમાં રોકાશે
અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું મનાલીમાં ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવશે. મૌની રોય, સૌરવ ગુર્જર પણ ટૂંક સમયમાં મનાલીમાં આવીને શૂટિંગ કરશે. અમિતાભ બચ્ચન મનાલીમાં શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ ‘ચેહરે’નું શૂટિંગ કરવા માટે પોલેન્ડ જશે. અહીંયા અમિતાભ એક્શન સીક્વન્સ શૂટ કરવાના છે. અહીંયા ‘ચેહરે’નું લાસ્ટ શિડ્યૂઅલ પૂરું કરવામાં આવશે.
બ્રેક લેશે
ડિસેમ્બરમાં પોલેન્ડમાં ‘ચેહરે’નું શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ અમિતાભ બચ્ચન એક બ્રેક લેવાના છે. ડોક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે પરંતુ પ્રોડ્યૂસર્સને નુકસાન ના જાય તે માટે બિગ બી હાલમાં શૂટિંગ કરી રહ્યાં છે.