અમિતાભ બચ્ચનનો લોકપ્રિય રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’એ દરેકના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હાલમાં કેબીસી 11ને તેના ત્રીજા કરોડપતિ મળી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રિયાલિટી શોને દર્શકો તરફથી સારો જ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વાત તો થઇ રિયાલિટી શોની, પણ દેશમાં ઘણા એવા ચાહકો પણ છે જે લોકો બિગ બીને જોવા માટે આ શો જોવાનું ચૂકતા નથી. છેલ્લા 11 વર્ષથી આ શોને હોસ્ટ કરનારા અમિતાભ બચ્ચન બોલવાની છટા અને તેમનું ડ્રેસિંગ દરેકનું ધ્યાન આકર્ષે છે.
બચ્ચન સાહેબની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઈનર પ્રિયા પાટિલ
કેબીસી 11માં અમિતાભ બચ્ચનની જો તમે કોઈ વાત નોટિસ કરી હશે, તો તમને તેમના આ વખતના ડ્રેસિંગમાં કંઈક અલગ જોવા મળશે. બચ્ચન સાહેબની ટાઈની સ્ટાઇલ રોજ અલગ અને તેમના બૂટનાં મોજા રંગીન અને પ્રિન્ટેડ છે. રોજ તમે જોતા અમિતાભ બચ્ચનના ડ્રેસિંગ પાછળ એક યુવતી એટલે કે પ્રિયા પાટિલ જવાબદાર છે.
બે વર્ષથી તેમના કપડાંનું સિલેક્શન કરે છે
આમ, તો પ્રિયા પાટિલ કેબીસી રિયાલિટી શો સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલી છે. ગયા વર્ષથી તેણે અમિતાભ બચ્ચનના પર્સનલ સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરવાનું શરુ કર્યું છે. પ્રિયા અમિતાભ બચ્ચન સાથે કામ કરવા બાબતે પોતાને લકી સમજે છે.
ગુજ્જુ છોરી
સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, પ્રિયા મૂળ ગુજરાતી છે. તેનો જન્મ વડોદરાના સયાજીગંજમાં થયો હતો. પ્રિયા જ્યારે પ્રથમ ધોરણમાં હતી ત્યારે તે તેના પરિવાર સાથે મુંબઈ આવી ગઈ હતી. હાલ તે અમિતાભ બચ્ચનની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઈનર તરીકે પોતાની ઇમેજ ધરાવે છે.
કેબીસી 11માં ટાઈ અને મોજા ખાસ આકર્ષણ
વાત કરીએ અમિતાભ બચ્ચનના ડ્રેસિંગની તો પ્રિયાએ કહ્યું કે, કેબીસી રિયાલિટી શોમાં અમિતાભ બચ્ચન પર દરેક દર્શકની નજર હોય છે. તેમનું ડ્રેસિંગ સિલેક્શન પ્રોસેસ એ સહેલી નથી. હું તેમના કપડાં સિલેક્ટ કરતી વખતે સૌપ્રથમ કમ્ફર્ટનેસ જોવું છું, કારણ કે તેમને શૂટિંગ માટે 2 કલાકથી વધારે એક જ ડ્રેસમાં બેસવાનું હોય છે. જો તેમાં તેઓ કમ્ફર્ટેબલ નહીં હોય તો તેમને ખુદને શોમાં મજા નહીં આવે.અમારા માટે તેમનો ઓવરલુક પણ ઘણો મહત્ત્વનો છે. આ વર્ષે અમે બચ્ચન સાહેબની ટાઈ અલગ-અલગ પેટર્નમાં ડિઝાઇન કરી છે.
ફેબ્રિક ઈટલીથી આવે છે અને બટન વિદેશના દેશમાંથી મંગાવાય છે
ગયા વર્ષે અમે થ્રીપીસ અને બંધ ગળાના એક્સ્પરીમેન્ટ્સ કર્યા હતા, જેનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ગયા વર્ષના તેમના ડ્રેસિંગમાં ‘બ્રોચ’એ સૌની ધ્યાન ખેંચ્યું હતું. આ વખતે તમને બિગ બીના જે રંગબેરંગી મોજા જોવા મળી રહ્યા છે, તે આઈડિયા તેમનો પોતાનો જ છે. ફેબ્રિક્સની વાત કરીએ તો બિગ બીનું ફેબ્રિક અમે ઇટલીથી મંગાવીએ છીએ, જે ઘણું સોફ્ટ હોય છે. શૂટ પર લગાવવામાં આવતા બટનનો ઓર્ડર દુનિયાભરના દેશોમાંથી ઓર્ડર કરવામાં આવે છે. ઇટલીની ફેમસ ફેશન કંપની ડોલ્સ એન્ડ ગબાના અમને સોફ્ટ ફેબ્રિક પ્રોવાઈડ કરે છે.
પ્રિયાના માતા સાથે બિગ બીએ શુદ્ધ હિન્દીમાં વાત કરી હતી
બિગ બી સાથેના પોતાના અનુભવ વિશે પ્રિયાએ કહ્યું કે, બચ્ચન સર સાથેની મારી પ્રથમ મુલાકાત મને આજે પણ યાદ છે. આખી ટીમ સેટ પર હાજર હતી ત્યાં અચાનક બિગ બી વેનિટી વેનમાં ઉતરીને આવ્યા અને પૂછવા લાગ્યા કે, હુ ઇઝ પ્રિયા? તે સમયે તો મને પણ મનમાં આમ વિચાર આવ્યો કે, આટલા બધા લોકોમાં સરે મારું નામ કેમ લીધું? પછી મેં કહ્યું-હું પ્રિયા છું. તેમણે મને કહ્યું કે-તમે ચાવી ઘરે ભૂલી ગયા છો, તમારી માતાનો ફોન હતો. આ સાંભળીને હું તો બે મિનિટ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી, કે મારી ચાવી વિશે સરને કેવી રીતે ખબર? પછી મને મમ્મીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે- તેમણે કોઈ શુદ્ધ હિન્દી બોલતા ક્રૂ મેમ્બરને જણાવ્યું હતું કે હું ચાવી ઘરે ભૂલી ગઈ છું. હવે મમ્મીને કેવી રીતે સમજાવું કે, જેને તેઓ સામાન્ય ક્રૂ મેમ્બર સમજતા હતા તે પોતે બિગ બી પોતે હતા. ત્યાર પછી તો અમિતાભ બચ્ચન સાથે કરેલી વાતનો કિસ્સો મારી મમ્મી મારા સંબંધીઓને ફોન કરીને કહેવા લાગી. સર ઘણા ડાઉન ટુ અર્થ છે.
‘સરને લીધે ડ્રેસની રોનક વધે છે’
પ્રિયા પાટિલ જણાવે છે કે, હું ડિઝાઇન કરું છું એટલે તે કપડાં ફેમસ નથી થતા, પણ અમિતાભ બચ્ચન મારા ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે એટલે તે કપડાંની રોનકમાં ચાર ચાંદ લાગી જાય છે.