મુંબઈ : બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલની આજે એનસીબી દ્વારા ડ્રગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેતાની એનસીબી દ્વારા સાત કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સી જ્યારે અભિનેતાની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તેના એક વિદેશી મિત્રની ધરપકડ કરવામાં આવી. એક અધિકારીએ આ ધરપકડ અંગે માહિતી આપી.
પૂછપરછ બાદ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે, “કોઈ નિર્દોષની પ્રતિષ્ઠાને મારવી ખોટું છે.” મારે ડ્રગ્સ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ એનસીબી આ કેસ અંગે જે કામ કરી રહી છે તે યોગ્ય છે. ”
અભિનેતાએ કહ્યું કે, એનસીબી જે કેસોની તપાસ કરી રહી છે, તેમાં એનસીબીને પણ ખાતરી થઈ ગઈ છે કે આ કેસ સાથે તેને કોઈ લેવાદેવા નથી.
અર્જુન રામપાલે કહ્યું કે, મારા ઘરેથી જે દવા મળી તેનું પ્રિસ્ક્રિપ્શન મારી પાસે છે જે તપાસ ટીમને સોંપવામાં આવ્યું છે. હું આ કેસની તપાસના સંદર્ભમાં ટીમને સહકાર આપી રહ્યો છું.
રામપાલને બુધવારે સેન્ટ્રલ એજન્સી દ્વારા સમન્સ અપાયું હતું. રામપાલ આજે સવારે 11 વાગ્યે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટમાં સ્થિત એનસીબીની ઝોનલ ઓફિસ પહોંચ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે રામપાલના વિદેશી મિત્ર પોલ ગાયાર્ડને એનસીબીએ ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, ગાયાર્ડને ગુરુવારે એનસીબીની ટીમે ધરપકડ કરી હતી. અગાઉ, એનસીબીએ સતત બે દિવસ રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રાયડિસની પૂછપરછ કરી હતી.
અભિનેતાના બાંદ્રા નિવાસસ્થાન પર શોધખોળ કર્યા બાદ એજન્સીએ રામપાલ અને ડેમેટ્રાયડિસને સોમવારે સમન્સ પાઠવ્યું હતું. લેપટોપ, મોબાઈલ ફોન અને ટેબ્લેટ્સ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરવા સાથે એજન્સી દ્વારા રામપાલના ડ્રાયવરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.