ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની બોલિવુડ એક્ટ્રેસ વાઈફ અનુષ્કા શર્માને હાલ પોતાની ગૃહસ્થી ભાડાના ઘરમાં જ ચલાવવી પડશે. વિરાટની 34 કરોડ રૂપિયાવાળા ફ્લેટની ડીલ રદ થઈ ગઈ છે. હવે આ કપલ પેન્ટહાઉસ ખરીદવાની યોજના બનાવી રહી છે.
વિરાટે લગ્ન પહેલા જ એટલે કે, જૂન 2016માં મુંબઈના વર્લી વિસ્તારમાં એક સુપર લક્ઝરી ફ્લેટ બુક કરાવ્યો હતો. આ ફ્લેટ ટાવર-સી બિલ્ડિંગના 35મા માળે હતો. તે 2019 સુધી મળવાની વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ હવે વિરાટે આ ફ્લેટની ડીલને રદ કરી દીધી છે. વિરાટે 20 માર્ચે જ 7 હજાર સ્ક્વેયર ફૂટના કારપેટ એરિયાવાળા આ ફ્લેટની કેન્સલેશન ડીડ તૈયાર કરાવી બીજા જ દિવસે તે જમા કરાવી દીધી છે.
સૂત્રો મુજબ, વિરાટ હવે વર્સોવા અને બાંદ્રાની વચ્ચેના વિસ્તારમાં એક પેન્ટહાઉસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લગ્ન બાદ વિરાટ હાલમાં અનુષ્કા સાથે ભાડાના ઘરમાં રહે છે. વર્લી વિસ્તારમાં ડો. એની બેસેન્ટ રોડ પર આ ફ્લેટનું ભાડું 15 લાખ રૂપિયા પ્રતિ મહિના છે.
વિરાટે ગત વર્ષે ઓક્ટોબરમાં જ આ ફ્લેટ ભાડે લીધો છે અને તેની લીઝ બે વર્ષની છે. તેના માટે વિરાટે 1.5 કરોડ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી છે.