મુંબઈ : આજકાલ સોશિયલ મીડિયા પર ‘બચપન કા પ્યાર’ એક ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ વાયરલ વીડિયોને જોરદાર શેર કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સની સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ સોંગ પર પરફોર્મ કરતા જોવા મળે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ સિંગર બાદશાહે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમની સાથે આસ્થા ગિલ પણ જોવા મળી રહી છે.
આ વીડિયોમાં સ્કૂલનો ગણવેશ પહેરેલો બાળક શિક્ષકોની સામે ‘બચપન કા પ્યાર ભુલ નહીં જાના રે’ ગાતો જોવા મળી રહ્યો છે. આ બાળકનું નામ સહદેવ છે, જે છત્તીસગઢના સુકમાના છીંદગઢ બ્લોકમાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે બે વર્ષ જૂનો છે. હવે બાદશાહે આ બાળક સાથે વીડિયો કોલ પર વાત કરી છે અને તેને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો છે. આ પછી આશા છે કે બાદશાહ સહદેવ સાથે ગીતનું શૂટિંગ કરી શકે છે.
સહદેવ બાદશાહને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સહદેવે કહ્યું કે તેના પિતા ખેડૂત છે. ઘરમાં ટીવી, મોબાઈલ નથી. આ ગીત બીજા કોઈનો મોબાઈલ સાંભળીને સ્કૂલમાં ગાયું હતું. જે આજે ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે. સહદેવે કહ્યું કે જ્યારે તે મોટો થાય ત્યારે ગાયક બનવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાદશાહના મેનેજરે સહદેવની ચંદીગઢ પહોંચવા સુધીની તમામ વ્યવસ્થા કરી લીધી છે અને ફ્લાઇટની ટિકિટ મોકલી છે. સહદેવ તેના પરિવારના સભ્યો સાથે બાદશાહને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સહદેવ ગઈકાલે તેના પિતા અને ગામના લોકો સાથે ચંદીગઢ જવા રવાના થઈ ગયો છે.