કોલકતા : રેલ્વે પ્લેટફોર્મ પર લતા મંગેશકરનું સુપરહિટ ગીત ગાઈને પ્રખ્યાત થયેલા પશ્ચિમ બંગાળના રાનુ મારિયા મંડલનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું છે. કોઈએ વિચાર્યું ન હતું કે રાનુનો 2 મિનિટનો વીડિયો તેને સ્ટાર બનાવશે. લાખો લોકો રાનુના અવાજમાં લતાનું હિટ ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ …’ સાંભળી ચુક્યા છે. 59 વર્ષીય રાનુને અનેક જગ્યાએથી ઓફર્સ મળી રહી છે. પરંતુ આ વિડીયો બાદ રાનુને તેની પુત્રી તરફથી સૌથી મોટી ભેટ મળી છે.
(ફોટામાં લતા મંગેશકર અને રાનુ મંડલ)
રાનુ મંડલ અને તેની પુત્રી છેલ્લા 10 વર્ષથી સંપર્કમાં નહોતા. પરંતુ રાનુનો આ વાયરલ વીડિયોએ માતા અને પુત્રીને મળાવ્યા છે. એક દાયકા પછી, રાણુની પુત્રી ઘરે તેને મળવા માટે આવી હતી. આ અંગે રાનુએ કહ્યું- “આ મારું બીજું જીવન છે અને હું તેને સુધારવાનો પ્રયત્ન કરીશ.”
રાનુને રેડિયો ચેનલો, ફિલ્મ પ્રોડક્શન હાઉસ, સ્થાનિક ક્લબથી કોલ આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના રાણાઘાટ સ્ટેશન પર એક મુસાફર અતિન્દ્ર ચક્રવર્તી દ્વારા રાનુનો 2 મિનિટનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોએ રાનુને નેશનલ સ્ટાર બનાવી દીધી છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં એક ઇન્ટરવ્યુ મુજબ, અતિન્દ્ર ચક્રવર્તીએ કહ્યું કે બંગાળી બેન્ડ દ્વારા રાનુનો સંપર્ક કરવામાં આવ્યો છે. લોકો આ મહિનામાં રાનુને સ્ટેજ પર જોઈ શકે છે. રિયાલિટી શોના નિર્માતાઓએ ફોન કરીને ફ્લાઇટની ટિકિટ પણ મોકલી હતી. પરંતુ રાનુ પાસે ઓળખકાર્ડ ન હોવાના કારણે આ ઓફર હાથમાંથી નીકળી ગઈ.
કોલકાતામાં ઘણા નિર્માતાઓ ફોન કરીને પૂછે છે કે શું રાનુને પ્લેબેક સિંગિંગમાં રસ છે? આ પહેલીવાર નથી જ્યારે રાનુના મધુર અવાજમાં ગાયેલું કોઈ ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યું છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં રાનુનો એક વીડિયો તેના પાડોશીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પરંતુ રાનુનો આ વીડિયો લોકોનું ધ્યાન આકર્ષિત કરી શક્યો નહીં. લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ રાનુના પ્રિય ગાયકો છે.
રાનુએ અભિનેતા ફિરોઝ ખાનના ઘરે પણ કામ કર્યું હતું. રાનુએ કહ્યું- મારા પતિ અને હું ફિરોઝ ખાનના ઘરે રહેતા હતા. તે ખૂબ જ નિષ્ઠાવાન વ્યક્તિ હતા.
(તસવીર: રાનુનું સલૂનમાં મેકઓવર થઇ રહ્યું છે)
રાનુને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તેમણે કહ્યું- 20 વર્ષની ઉંમરે, હું ઓર્કેસ્ટ્રા સાથે ઘણા જિલ્લાઓમાં ટૂર પર જતી હતી. મારા અવાજમાં ફિલ્મ બોબીના ગીતો સાંભળ્યા પછી લોકો મને રાનુ – બોબી કહેતા. મેં થોડા પૈસા પણ કમાવ્યા હતા, પરંતુ મારા પરિવારે મારી કળાને ટેકો આપ્યો નહીં અને મને ગાવાથી અટકાવી હતી.
નોંધનીય છે કે, સ્ટાર બન્યા પછી રાનુનું લોકલ બ્યુટી પાર્લરમાં પણ મેકઓવર કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.