અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કરણી સેના અને ગુર્જર સમાજે ફિલ્મનો વિરોધ કર્યો છે. ગુર્જર સમાજે દાવો કર્યો છે કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. પૃથ્વીરાજ આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે 21 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થવાની છે.
ગુર્જર સમાજનો દાવો છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને ઇતિહાસમાં ગુર્જર બગડાવત તરીકે ઓળખવામાં આવ્યા છે પરંતુ ફિલ્મમાં તેમને અલગ જ રૂપમાં બતાવવામાં આવ્યા છે. બીજી તરફ કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો 5 જાન્યુઆરી સુધીમાં ફિલ્મનું ટાઈટલ બદલવામાં નહીં આવે તો તેઓ મુંબઈના યશરાજ સ્ટુડિયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે. કરણી સેનાની માંગ છે કે યોગ્ય સન્માન સાથે ફિલ્મનું નામ પૃથ્વીરાજથી બદલીને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કરવામાં આવે.
કરણી સેના અને ગુર્જર નેતાએ આ વાત કહી
ગુર્જર નેતા હિંમત સિંહના જણાવ્યા અનુસાર, ફિલ્મ ચંદ બરદાઈ દ્વારા લખાયેલ પૃથ્વીરાજ રાસો પર આધારિત છે. ફિલ્મના ટીઝરમાં આ જ બતાવવામાં આવ્યું છે. ઈતિહાસમાં ઉપલબ્ધ શિલાલેખોનો અભ્યાસ કર્યા પછી, નિષ્ણાતોનું માનવું છે કે ચંદ બરદાઈએ પૃથ્વીરાજ ચૌહાણના શાસનના લગભગ 400 વર્ષ પછી 16મી સદીમાં પૃથ્વીરાજ રાસો મહાકાવ્ય લખ્યું હતું, જે કાલ્પનિક છે. સાથે જ કરણી સેનાએ કહ્યું છે કે ફિલ્મનું શીર્ષક માત્ર પૃથ્વીરાજ છે, જે આ યોદ્ધાઓ માટે સન્માનજનક નથી.
આ ફિલ્મનું ટીઝર છે
પૃથ્વીરાજ ફિલ્મનું 1 મિનિટ 22 સેકન્ડનું ટીઝર યુદ્ધભૂમિના દ્રશ્યથી શરૂ થાય છે. હવામાં તીર ઉડી રહ્યા છે અને આ વચ્ચે પૃથ્વીરાજના રોલમાં અક્ષય કુમાર ગર્જના કરી રહ્યો છે.
ટીઝરમાં સંજય દત્ત સોનુ સૂદનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. તે જ સમયે, રાજકુમાર સંયોગિતાના પાત્રમાં માનુષી છિલ્લરની ઝલક જોવા મળી છે. રાજકુમારી સંયોગિતાને લઈને જતા પૃથ્વીરાજ કહે છે, ‘હું ધર્મ માટે જીવ્યો છું, ધર્મ માટે જ મરીશ.’