બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અને લિજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયે ભલે એક વર્ષ પૂરું થઈ ગયું હોય તેમ છતાં આજે પણ તે લોકોના દિલમાં અમર છે. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં પત્ની શ્રીદેવીને લઇને બોની કપૂર ભાવુક થઈ ગયા હતા, જ્યાં દીપિકા પાદુકોણે તેમને સાંત્વના આપી હતી. રવિવારના રોજ દિલ્હીમાં શ્રીદેવીનાં અંગત અને ફિલ્મી જીવન પર આધારિત બાયોગ્રાફી ‘શ્રીદેવી: ધ ઇટરનલ સ્ક્રીન ગોડેસ’ રજૂ કરવામાં આવી હતી. સત્યાર્થ નાયકની આ બુક લોન્ચ દરમિયાન બોની તેની પત્નીને યાદ કરીને ભાવકુ થઈ ગયા તો દીપિકાએ તેમને દિલાસો આપ્યો હતો. આ ઇવેન્ટમાં ગૌરી શિંદે પણ હાજર હતી. શ્રીદેવીની આ બાયોગ્રાફી સત્યાર્થ નાયકે લખી છે.
બાયોગ્રાફીની ખાસિયત
આ બાયોગ્રાફીમાં સત્યાર્થે શ્રીદેવીની પાંચ દાયકાની લાંબી જર્ની વિશે લખ્યું છે. શ્રીદેવીએ જે ડાયરેક્ટર્સ અને એક્ટર્સ સાથે કામ કર્યું હતું તેમના અનુભવો પણ બાયોગ્રાફીમાં છે. વર્ષ 1969માં બાળ કલાકાર તરીકે આવેલી પહેલી ફિલ્મ ‘થુનાઇવન’થી લઈને વર્ષ 2017માં આવેલી છેલ્લી ફિલ્મ ‘મોમ’ સુધીના અનેક અજાણ અને રસપ્રદ કિસ્સાઓ પણ છે.
2018માં મૃત્યુ થયું હતું
24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું 54 વર્ષની વયે અવસાન થયું હતું. તે દુબઈમાં તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા ગઈ હતી, જ્યાં હોટલના બાથટબમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. શંકાસ્પદ સંજોગોમાં તેના મૃત્યુથી ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે સામાન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.