મુંબઈ : બોલિવૂડમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં તેમના ઘરે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. સુશાંતે શા માટે અંતિમ પગલું ભર્યું તે અંગે હજી સુધી કંઈ જાણી શકાયું નથી.
સુશાંત બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા હતો. તેણે ટીવી એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પહેલા ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ નામની સિરિયલમાં કામ કર્યું હતું પરંતુ તેમને એકતા કપૂરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઓળખ મળી હતી, ત્યારબાદ તેણે ફિલ્મોની સફર શરૂ કરી હતી. તે ફિલ્મ ‘કાઈ પો છે’માં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો, અને તેના અભિનયની પ્રશંસા પણ થઇ હતી.
આ પછી તે વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે ‘શુદ્ધ દેશી રોમાંસ’માં જોવા મળ્યો હતો. જો કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીની ભૂમિકા ભજવીને તેની સૌથી વધુ લોકપ્રિયતા હાંસલ કરી હતી. સુશાંતની કારકિર્દીની આ પહેલી ફિલ્મ હતી જેણે સો કરોડ એકત્રિત કર્યા હતા. સુશાંત ‘સોનચિડીયા’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોનું એપ્રિલ મહિનામાં અવસાન થયું. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની વયે અવસાન થયું છે. આ સિવાય વરિષ્ઠ ગીતકાર યોગેશ ગૌરે પણ ગયા મહિને આ દુનિયાને અલવિદા કહ્યું છે.