મુંબઈ : ગયા વર્ષે ઘણા લોકોએ કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉનમાં નોકરી ગુમાવી હતી. ઘણા લોકોએ છૂટક કામ ગુમાવ્યું. આને કારણે ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કલાકારો, ક્રૂ મેમ્બર્સ અને કેમેરામેન પર પણ અસર વર્તાઈ છે. લોકડાઉનને કારણે બોલિવૂડની યુવા કેમેરા સહાયક સુચિસ્મિતા રાઉટ્રે (Suchismita Routray) પણ કામ ન મળતા તે મુંબઇથી પોતાના ગામ પરત આવી ગઈ છે.
લોકડાઉન પછી સુચિસ્મિતા પાસે મુંબઈમાં પૈસા કમાવવાનું કોઈ સાધન નહોતું, ત્યારબાદ તે પાછી તેના વતન ઓડિશાના કટકમાં ગઈ હતી અને હવે ત્યાં મોમોઝ વેચીને તે પોતાનું ઘર ચલાવી રહી છે. સિનેમાઘરો ખુલ્યા હોવા છતાં, કોઈ પણ નિર્માતા અને ફિલ્મ નિર્માતાઓ નવા પ્રોજેક્ટમાં હાથ મિલાવી રહ્યા નથી.
અમિતાભ બચ્ચન અને સલમાન ખાને મદદ કરી
સુચિસ્મિતા રાઉટ્રે માત્ર 22 વર્ષની છે. તેણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે છેલ્લા 6 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેણે કહ્યું કે તે અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની મદદથી તેના ઘરે પરત ફરી છે. તેમણે કહ્યું, “મારી પાસે ઘરે પાછા ફરવા માટે પૈસા નહોતા. સદભાગ્યે, અમિતાભ બચ્ચન અને સલમાન ખાને અમારા સમગ્ર ક્રૂને સહાય આપી હતી, જેની મદદથી અમે અમારા વતન પાછા આવી શક્યા.”
મોમોઝથી દરરોજ 300 રૂપિયા કમાય છે
ઘરે પાછા ફર્યા પછી, તેણે મોમોઝ વેચવાનું શરૂ કર્યું, જેની રેસિપી તેણે મુંબઈમાં રહેતા સમયે તેના મિત્ર પાસેથી શીખી હતી. તે કટકના ઝાંઝિરિમંગલામાં એક મોમોઝ સ્ટોલ ઉભો કરી અને દિવસના 300 થી 400 રૂપિયા કમાય છે. સુચિસ્મિતા રાઉટ્રેએ આગળ કહ્યું, “રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા મેં મુંબઈમાં ઘણા પ્રોજેક્ટ્સ બનાવ્યાં હતાં અને એક પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કર્યું હતું.”
રોગચાળાને કારણે સંજોગો વધુ વકર્યા
તેમણે આગળ કહ્યું, “બાદમાં, રોગચાળા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી. રોગચાળાને કારણે કોઈ નવો પ્રોજેક્ટ મળ્યો ન હતો, હું ફેબ્રુઆરીમાં મારા વતન આવી ગઈ હતી.”