મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ માટે ઘણી બાબતો સરળ બનતી હોય તેવું લાગતું નથી. લાંબા સમય સુધી વિવાદમાં રહેવા અને ધંધા પર અસર થયા બાદ હવે ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અવમાનનાની અરજી (કન્ટેમ્પટ પિટિશન) કરવામાં આવી છે. કોર્ટના આદેશ હોવા છતાં વકીલ અપર્ણા ભટ્ટે ‘છપાક’ અને દિપીકાના નિર્માતાઓ સામે યોગ્ય ક્રેડિટ નહીં આપવા બદલ અવમાનના અરજી કરી હતી.
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફિલ્મ નિર્માતાઓએ અપર્ણાને ફિલ્મ બનાવવામાં યોગદાન માટે યોગ્ય શ્રેય આપ્યો ન હતો અને હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ તેમની સામે અવગણનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. ભટ્ટે એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના જીવન પર આ ફિલ્મ આધારિત છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથેની વાતચીત દરમિયાન ભટ્ટે કહ્યું કે, “મેં આ અરજી એટલા માટે કરી છે કે નિર્માતાઓએ ફિલ્મની નકલમાં ક્રેડિટ શામેલ કરી નથી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવવામાં આવી રહી છે.” જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં બતાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં તેમને યોગ્ય શ્રેય આપવામાં આવ્યો છે.