વિદ્યુત જામવાલાની ફિલ્મ ‘કમાન્ડો 3’ શુક્રવારે રિલીઝ થઇ છે. આ પહેલાં પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રમોશનના હેતુથી હીરોના એન્ટ્રી સીનના વીડિયોને યુટ્યુબ પર શેર કર્યો હતો. તેને લઈને વિવાદ ચાલુ થઇ ગયો છે. આ 5 મિનિટના વીડિયોમાં એક પહેલવાન સ્કૂલમાં ભણતી બાળકીનું સ્કર્ટ ઊંચું કરતો દેખાડવામાં આવ્યો છે.
બાળકનું યૌન શોષણ દેખાડવા બદલ લોકો નારાજ
આ સીન જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની નારાજગી વ્યક્ત કરી છે. એક તરફ લોકો બાળકના સેક્યુઅલ હેરેસમેન્ટને દેખાડવા બદલ નારાજ છે તો બીજી તરફ પહેલવાનોની ખોટી ઇમેજ દેખાડવા બદલ વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ઓછામાં ઓછું બાળકો સાથે તો આવા બકવાસ સીન ફિલ્મોમાં ન નાખો. તેની ઉંમર શું હશે. તે બાળક છે. પહેલવાનોનું સમર્થન કરતાં એક યુઝરે લખ્યું કે, શું તમે ક્યારેય પહેલવાની કરી છે, કે આ નેગેટિવ કેરેક્ટર દેખાડી રહ્યા છો. થોડી તો શરમ કરો.
‘કમાન્ડો’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ
‘કમાન્ડો’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે અદા શર્મા એક્શન મોડમાં દેખાઈ છે. ફિલ્મને આદિત્ય દત્તે ડિરેક્ટ કરી છે અને ફિલ્મના પ્રોડ્યૂસર વિપુલ શાહ છે.