મુંબઈ : સિંગર કનિકા કપૂર બોલીવુડની પહેલી વ્યક્તિ હતી, જે કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી. ગયા મહિને, કનિકા કપૂર કોરોના પોઝિટિવ મળી આવી હતી, ત્યારબાદ તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને તેને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવી હતી. સારવાર પછી, જ્યારે કોરોના ત્રણ વાર નેગેટિવ આવ્યો, ત્યારે કનિકાને રજા આપવામાં આવી. પરંતુ હજી પણ લોકોએ તેની ઉપર બેદરકારી દાખવવાના અનેક આરોપો લગાવ્યા હતા. તેના વિશે ઘણી વિવાદાસ્પદ બાબતો પણ પ્રકાશમાં આવી. પરંતુ કનિકાએ લાંબા સમય સુધી આ આરોપો પર કંઇ કહ્યું નહીં.
હું શાંત હતી ખોટી નહીં- કનિકા
હવે જ્યારે કનિકાએ કોરોના સાથેની લડાઇ જીતી લીધી છે, ત્યારે તેણીએ જાતે જ આગળ આવીને આ વિવાદની સ્પષ્ટતા કરી છે. કનિકા કપૂરે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ દ્વારા આખા મામલાની વિગત આપી છે અને તમામ આરોપોથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. કનિકાએ પોસ્ટમાં લખ્યું છે- મને લાગે છે કે આ સમયે મારા વિશે અનેક પ્રકારની બાબતો ચાલી રહી છે. કેટલીક બાબતો વધુ ઉડી કારણ કે હું શાંત હતી. પરંતુ હું શાંત હતી ખોટી નહીં, તેના બદલે હું મારી જાતને સત્ય બહાર આવે તેની રાહ જોતી હતી. હું મારા પરિવાર અને મિત્રોની આભારી છું કે જેમણે મને એટલી સ્પેસ આપી છે કે હું લોકોને મારી ઇચ્છા મુજબ સંપૂર્ણ સત્ય કહી શકું.
કનીકા – એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું
હવે કનિકાએ પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે, તેને મળેલી દરેક વ્યક્તિ કોરોના નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે કહે છે- હું યુકેથી મુંબઈ અને લખનૌ જઇને જેને મળી તે દરેકને કોરોનાનાં લક્ષણો નહોતાં. તેઓ કોરોના નેગેટિવ હોવાનું પણ જાણવા મળ્યું છે. કનિકાએ પોસ્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેને એરપોર્ટ પર સ્ક્રીન કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કનિકા પર આરોપો હતા કે તેણે કોરોના વચ્ચે એરપોર્ટ પર તેની સ્ક્રીનીંગ કરાવી નથી. તે ત્યાંથી ભાગી ગઈ હતી. હવે કનિકાએ તેના વિશે પણ ક્લિયર કરી દીધું છે.
કનિકા કપૂરના જણાવ્યા અનુસાર, તે 10 માર્ચે યુકેથી મુંબઇ આવી હતી. ત્યારબાદ તેને આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તે સમયે આવી કોઈ એડવાઈઝરી નહોતી કે તેણે પોતાને અલગ રાખવું પડે. કનિકાએ જણાવ્યું કે, 11 માર્ચે તેણી તેના માતાપિતાને મળવા લખનઉ આવી હતી. તે સમયે એરપોર્ટ પર કોઈ સ્ક્રીનીંગ કરવામાં આવી ન હતી. તેણે 14 અને 15 માર્ચે તેના મિત્ર સાથે લંચ પણ કર્યું હતું. પરંતુ કનિકાએ કોઈ પણ પાર્ટીમાં જોડાવાની કે ખુદ પાર્ટી ગોઠવવાનો ઇનકાર કરી દીધો હતો.