તમિલ સુપરસ્ટાર દલપતિ વિજય તેની તાજેતરની ફિલ્મ લીઓની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ફિલ્મો પછી, અભિનેતા ટૂંક સમયમાં રાજકારણમાં આવવા માટે તૈયાર છે. વિજય ઘણા સમયથી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો અભિનેતાએ રાજકીય પક્ષ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિજયને પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટી ટૂંક સમયમાં ભારતના ચૂંટણી પંચમાં નોંધણી કરવામાં આવશે. જો કે હજુ સુધી પાર્ટીનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની જનરલ કાઉન્સિલના લગભગ 200 સભ્યોએ નોંધણી પહેલા એક મીટિંગમાં હાજરી આપી હતી. પાર્ટીના જનરલ સેક્રેટરી અને ટ્રેઝરરની નિમણૂક કરવામાં આવી છે અને સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીની પણ રચના કરવામાં આવી છે.
વિજયના રાજકારણમાં પ્રવેશવાના સમાચાર અંગે એક સૂત્રએ જણાવ્યું કે, ‘તે 2026માં તમિલનાડુમાં રાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કરશે.’ જ્યારે તેમને પાર્ટીના સંભવિત નામ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘તમિલનાડુમાં પરંપરા મુજબ પાર્ટીનું નામ રાખવામાં આવશે.’ તમિલનાડુમાં વિજયની મોટી ફેન ફોલોઈંગ છે. અભિનેતા ઘણીવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2023માં વિજયે થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લાના પૂરગ્રસ્ત રહેવાસીઓની મદદ કરી હતી. વિજયે કથિત રીતે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 2023માં વિજય ‘લિયો’ અને ‘વરિસુ’માં જોવા મળ્યો હતો. હાલમાં તે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નામ થલપથી 68 છે. આ ફિલ્મનું નિર્દેશન વેંકટ પ્રભુ કરી રહ્યા છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિજયના ફેન્સ માટે આ સમાચાર કોઈ સારા સમાચારથી ઓછા નથી.