મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી છે. રાકેશ ભારતી નામના લેખકે દાવો કર્યો છે કે, ફિલ્મની વાર્તા તેમના દ્વારા જ લખાઈ છે. આ મુદ્દે અરજદાર ભારતીએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો છે અને કહ્યું છે કે એસિડ એટેક પીડિત લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત આ ફિલ્મની વાર્તા માટે તેમને લેખક તરીકે શ્રેય આપવો જોઈએ.
એક અહેવાલ મુજબ, ભારતીએ કરેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે ફિલ્મ માટે એક વિચાર / સ્ક્રિપ્ટની કલ્પના કરી હતી, જેનું નામ તેમણે અસ્થાયીરૂપે ‘બ્લેક ડે’ રાખ્યું હતું અને ફેબ્રુઆરી 2015 માં, ભારતીય મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે નોંધણી કરાઈ હતી.
ભારતીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને આ સંદર્ભમાં તેઓ ફોક્સ સ્ટાર સ્ટુડિયો સહિતના કલાકારો અને નિર્માતાઓને પણ મળ્યા હતા.
દલીલમાં જણાવાયું છે કે, જો કે અનિવાર્ય સંજોગોને કારણે પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી. અભિયોગીએ આ સ્ટોરી ફિલ્મ ‘છપાક’ ના પ્રોડક્શન હાઉસને પણ કહી હતી. આ પોર્ટલના અહેવાલ મુજબ, જ્યારે ભારતીને ખબર પડી કે આ ફિલ્મ નિર્દેશક મેઘના ગુલઝાર દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે, ત્યારે તેણે નિર્માતાઓને ફરિયાદ કરી, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નહીં, ત્યારબાદ તેણે કોર્ટનો સંપર્ક કર્યો. ભારતીએ પોતાની અરજીમાં તેને શ્રેય આપવા અને આવું ન થાય ત્યાં સુધી ‘છપાક’ની રીલીઝને અટકાવવાની માંગ કરી છે. ‘છપાક’માં વિક્રાંત મેસ્સી પણ છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.