મુંબઈ : બોલિવૂડના ‘ટ્રેજેડી કિંગ’ દિલીપકુમારનું 7 જુલાઈના રોજ સવારે 7.30 વાગ્યે નિધન થયું હતું. દિલીપકુમાર છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અવસાન સાથે, હિન્દી સિનેમાનું એક યુગ સમાપ્ત થયું.
અંતિમ વિદાય આપવા માટે ઘણા સેલેબ્સ અને રાજકારણીઓ દિલીપકુમારના ઘરે પહોંચ્યા હતા. જે બાદ દિલીપકુમારને જુહુ કબ્રસ્તાનમાં રાજકીય સન્માન સાથે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. મુંબઈ પોલીસના જવાનોએ ફાયરિંગ કરીને તેમને છેલ્લી સલામ આપી હતી.
સાયરા બાનુ તેના પતિને છેલ્લી વિદાય માટે કબ્રસ્તાન પહોંચ્યા હતા. દિલીપ સાહેબના અંતિમ સમય સુધી સાયરા બાનુ પડછાયાની જેમ તેમની સાથે રહ્યા અને ભીની આંખોથી અંતિમ વિદાય આપી.
આપને જણાવી દઇએ કે 44 વર્ષની વયે દિલીપકુમારે 22 વર્ષની સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. 1996માં બંનેએ લગ્ન કર્યા હતા. ત્યારબાદથી દિલીપ અને સાયરા બાનુ એક બીજાનો હાથ છોડતા નહોતા.
ઉલ્લેખનીય છે કે, દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 ના રોજ પેશાવરમાં થયો હતો. તેમનું અસલી નામ મહંમદ યુસુફ ખાન હતું. દિલીપકુમારે વર્ષ 1944 માં ફિલ્મ જ્વાર – ભાટાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.