દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું અવસાન 21 ઓગસ્ટ, શુક્રવારના રોજ થયું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના બીજા ભાઈ અહેસાન ખાનનો પણ કોરોનાને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હાલમાં હોસ્પિટલમાં છે અને તેમની તબિયત ગંભીર છે. તેઓ હાલમાં વેન્ટિલેટર પર છે.
લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર જલીલ પાર્કરે અસલમ ખાનના અવસાનની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે મહાન અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનને શુગર, બ્લડપ્રેશર તથા હાર્ટ સંબંધિત બીમારીઓની સાથે કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. તેમનું વહેલી સવારે નિધન થયું હતું.
દિલીપ કુમારના બંને ભાઈ અસલમ તથા અહેસાન અલગ ઘરમાં રહેતા હતા. આથી જ દિલીપ કુમાર તથા સાયરાબાનો કોરોનાના ચેપથી સલામત છે. બંને ભાઈઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દિલીપ કુમારે એપ્રિલમાં ચાહકોને અપીલ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ પોસ્ટમાં તેમણે ચાહકોને કોરોનાને કારણે ઘરમાં જ રહેવાની વિનંતી કરી હતી.