મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશનું નામ પણ સામે આવ્યું છે. બાદમાં વર્ષ 2017ની દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશની ચેટ વાયરલ થઈ હતી. તેના આધારે એનસીબીએ દીપિકા અને કરિશ્માની પૂછપરછ પણ કરી હતી.
પૂછપરછ બાદ દીપિકા પાદુકોણે તેનું કામ શરૂ કરી દીધું છે, જ્યારે એનસીબીએ તેની મેનેજર કરિશ્માને બીજી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. એએનઆઈના અનુસાર કરિશ્માને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું છે અને એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે, કરિશ્મા પ્રકાશની આવતીકાલે પુછપરછ કરવામાં આવશે અને આ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. જોકે, એક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા પ્રકાશ ક્યાં છે તેની કોઈને ખબર નથી.
કથિત રીતે ડ્રગ્સ ઝડપાયું
જો કે, ઘણા અહેવાલો મુજબ, એન્ટિ ડ્રગ્સ એજન્સીએ મંગળવારે કરિશ્માના ઘરે દરોડો પાડ્યો હતો અને અહેવાલ આપ્યો હતો કે, ડ્રગ્સનો અજાણ્યો જથ્થો મળી આવ્યો હતો. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કરિશ્મા ક્યાં છે તેની કોઈને ખબર નથી અને બુધવારની તપાસ માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે. એનસીબી કરિશ્માને પ્રત્યક્ષ રીતે સમન્સ પાઠવી શકી નથી.