એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સુશાંત સિંહના મૃત્યુ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ ડિરેક્ટર રૂમી જાફરી સાથે પૂછપરછ કરી રહી છે. તેઓ ગુરુવારે સવારે 11:30 વાગ્યે મુંબઈની ED ઓફિસ પહોંચ્યા.
ED પહેલાં મુંબઈ પોલીસે પણ રૂમી જાફરી સાથે સવાલ જવાબ કર્યા હતા. પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં રૂમીએ કહ્યું હતું કે, સુશાંત સાથે તેઓ એક ફિલ્મ બનાવવાના હતા. આ માટે તેણે સુશાંતને 15 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. લોકડાઉન પછી ફિલ્મનું કામ શરૂ થવાનું હતું.
અગાઉ રૂમીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મૃત્યુના બે દિવસ પહેલા એટલે કે 12 જૂને તેની સુશાંત સાથે વાતચીત થઇ હતી. ત્યારે સુશાંતે તેમને ડિપ્રેશનમાં હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તે ઇન્ડસ્ટ્રી છોડવા ઈચ્છે છે.
સુશાંતના મૃત્યુ પછી આ પ્રકારની અટકળ ચાલી રહી હતી કે તેની પાસે કોઈ કામ ન હતું માટે તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. આ વાતને લઈને રૂમી જાફરી ભડકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે તે ઘણો ટેલેન્ટેડ હતો. લોકો તેની સાથે ન્યાય નથી કરી રહ્યા. પ્લીઝ તેની વિરાસતનું સમ્માન કરો. તે સ્ટાર હતો અને રહેશે જ્યાં સુધી આ ઇન્ડસ્ટ્રી છે.
ED જાફરી પાસેથી જાણવા ઈચ્છે છે કે શું સુશાંતને 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા કે હજુ આપવાના બાકી હતા? રૂમી સુશાંતના ક્લોઝ ફ્રેન્ડ હતા. રૂમી સુશાંત સાથે જે ફિલ્મ બનાવી રહ્યા હતા તેમાં તેની ઓપોઝિટ રિયા ચક્રવર્તીને કાસ્ટ કરવામાં આવી હતી. રૂમીએ એવું પણ કહ્યું કે મૃત્યુના થોડા દિવસ પહેલાં જ તેણે સુશાંત સાથે ફિલ્મની સ્ક્રિપ્ટની ચર્ચા કરી હતી.
10 ઓગસ્ટે EDએ રિયા અને તેના પરિવારના ચાર મોબાઈલ હેન્ડસેટ જપ્ત કરી લીધા હતા. તેમાં બે ફોન રિયાના છે અને એક તેના પિતા અને ભાઈનો છે. બે આઇપેડ અને એક લેપટોપ પણ EDએ જપ્ત કરી લીધેલ છે. આ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તપાસ માટે ફોરેન્સિક લેબ મોકલી દેવામાં આવ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધી રિયાની બે રાઉન્ડમાં 19 કલાક પૂછપરછ થઇ. તેના ભાઈ શોવિકની ત્રણ રાઉન્ડમાં અંદાજે 33 કલાક પૂછપરછ થઇ. રિયાના પિતા ઇન્દ્રજીતની બે વખત પૂછપરછ થઇ. આ સિવાય સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી અને રિયાના CA રિતેશ શાહ, સેમ્યુઅલ મિરાન્ડાની પણ પૂછપરછ થઇ. સુશાંતની બહેન મિતુનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે.