કથિત રીતે ચહેરા પર 50 પ્લાસ્ટિક સર્જરી કરાવીને હોલિવુડ સ્ટાર એન્જલિના જોલી જેવો ચહેરો બનાવવાથી ચર્ચામાં આવેલી ઈરાનની ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહર તબારની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે તેના પર ઇશનિંદા અને હિંસા ભડકાવવાનો આરોપ છે. સહરની ચર્ચા ત્યારે થઇ હતી જ્યારે તેનો એક ફોટો આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરલ થઇ ગયો હતો.
કોણ છે ફોટોશોપની કમાલથી વાયરલ બનેલી સહર ?
સહર વિશે એવું કહેવાય છે કે એન્જલિના જોલી જેવી દેખાવા માટે તેણે 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે મોટાભાગના તેના ઇન્સ્ટાગ્રામના ફોટા પર ફોટોશોપ એડિટીંગ કરવામાં આવેલું છે. 22 વર્ષની સહર એન્જલિના જોલીના એક ઝોમ્બી જેવા દેખાતા ફોટોથી ચર્ચામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તે એન્જલિના જોલીના ઝોમ્બી જેવા દેખાતા વિચિત્ર અને બિહામણા ફોટા અપલોડ કરતી રહે છે. યુઝર્સનું કહેવું છે કે આ પ્રકારના ડરામણા અને વિચિત્ર ફોટા મૂકવાનો શું અર્થ છે ? તેણે પહેલા દાવો કર્યો હતો કે એન્જલિના જેવી દેખાવા માટે તેણે ઘણી કોસ્મેટિક સર્જરી કરાવી છે અને તેના ચહેરાની આવી હાલત થઇ છે. જોકે ઇન્સ્ટાગ્રામ પર બાદમાં તેણે એવો ખુલાસો પણ કર્યો હતો કે તેના મોટાભાગના ફોટા પર ફોટોશોપની કમાલ હોય છે.
શું આરોપ છે સહર પર ?
ઈરાનમાં સ્થાનિક સંસ્થાઓની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે તેના પર ઇશનિંદા, ગેરકાયદે રીતે સંપતિ હડપવા સહિત હિંસા ભડકાવવાના આરોપ છે. સાથે દેશના પહેરવેશને લઇને બનેલા કન્ટ્રી કોડના ઉલ્લંઘનનો આરોપ પણ તેના પર લાગ્યો છે. તેના પર આરોપ છે કે તે યુવાઓને ભ્રષ્ટાચાર કરવા માટે પ્રેરિત કરે છે. ત્યારથી તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દેવાયું છે. ઈરાનમાં આ પહેલા પણ ફેશન બ્લોગર્સ અને અન્ય સેલિબ્રીટી પર કાયદાકીય પ્રક્રિયાઓ થઇ ચૂકી છે.