મુંબઈ : બોલિવૂડ ફિલ્મ ‘કાય પો ચે’માં બાળ કલાકાર તરીકે કામ કરનાર દિગ્વિજય દેશમુખ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ટીમમાં ક્રિકેટ રમતો જોવા મળશે. આ વખતે દિગ્વિજયને આઈપીએલની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમવા માટે પસંદ કરવામાં આવ્યો છે.
21 વર્ષીય દિગ્વિજય આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમશે. આ પહેલા તે મહારાષ્ટ્ર માટે સાત ટી -20 મેચ રમી ચૂક્યો છે. દિગ્વિજયની બોલી 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર કરવામાં આવી હતી. તે જમણા હાથનો બેટ્સમેન અને જમણા હાથનો ઝડપી મધ્યમ બોલર છે. ક્રિકેટના સ્કોર્સની વાત કરીએ તો દિગ્વિજયે અત્યાર સુધીમાં કુલ 104 રન અને 15 વિકેટ લીધી છે.
આ કલાકારો સાથે કામ કર્યું છે
તે 2013 માં સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર રાવ અને અમિત સાધ અભિનીત ફિલ્મ ‘કાય પો ચે’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે અલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તે એક યુવાન ક્રિકેટરની ભૂમિકા નિભાવે છે જે દેશ માટે રમવાનું સપનું જોવે છે. હવે આઈપીએલમાં સિલેક્શન બાદ તે ખરેખર તેના સપનાની એક પગલુ નજીક આવી ગયો છે.
દિગ્વિજયનો જન્મ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં થયો હતો. તેણે ગત સિઝનમાં જમ્મુ-કાશ્મીર સામે રાજ્ય કક્ષાએ રમ્યો હતો જેમાં તેણે 61 રન અને 6 વિકેટ લીધી હતી.