મુંબઈ : બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. આજદિન સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, તે ગ્રાઉન્ડ સ્ટાફની મિલીભગતથી એરપોર્ટ પર વોશરૂમમાં છુપાઇને ભાગી ગઈ હતી. કનિકાએ રવિવારે લખનઉના ગેલેંટ એપાર્ટમેન્ટ્સમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં લખનૌના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર એપાર્ટમેન્ટમાં હોબાળો મચી ગયો છે.
બધાં ડરી ગયા છે. સેવકો અને પાર્ટી કેટરર્સના તમામ કાર્યકરો પણ ભયમાં છે. સમાચાર એ પણ છે કે કનિકા લખનઉની તાજ હોટેલમાં રોકાઈ હતી. જ્યાં સુધી શાલીમાર ગેલન્ટના રહેવાસીઓની વાત છે, તો આ એપાર્ટમેન્ટના મોટાભાગના રહેવાસીઓ હવે આ બિલ્ડિંગ છોડીને અન્ય સ્થળોએ જતા રહ્યા છે. કનિકા કપૂરનો આખો પરિવાર આ બિલ્ડિંગમાં રહે છે અને હવે તેનો આખો પરિવાર કરંટાઇનમાં રાખવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે બધાને કર્યા કોલ
મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગે કાનિકાના સંપર્કમાં આવેલા તમામ લોકોને બોલાવ્યા છે અને તેઓને સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું પણ કહ્યું છે. બીજા કોઈમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ ફક્ત સિંગર કનિકાનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે. નોંધનીય છે કે, કનિકાએ બેબી ડોલ, જુગ્ની, ચીંટિયા કલૈયાં અને દેશી લુક જેવા બધા સુપર હિટ ગીતો ગાયા છે.