મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ ટુંક સમયમાં જ પોતાની ઓળખ બનાવી લીધી છે. તાજેતરમાં તે એક મેગેઝિનના કવર પેજ પર આવી છે જેમાં તેના દ્વારા કરાયેલ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે. કિયારાએ આ ફોટોશૂટ સાથે મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે, જેમાં તેણે ઘણી બધી બાબતોનો ખુલાસો કર્યો છે. જ્યારે કિયારાને પૂછવામાં આવ્યું કે તેને અત્યાર સુધીની શ્રેષ્ઠ સલાહ શું મળી અને કોની પાસેથી મળી છે, ત્યારે તેણે કહ્યું – મને સલમાન સરની શ્રેષ્ઠ સલાહ મળી છે જેણે મને કહ્યું હતું – સખત મહેનત કરો અને તમારા કામને બોલવા દો.
ચાલો તમને એ પણ જણાવી દઈએ કે, જ્યારે કિયારા ઇન્ડસ્ટ્રીમાં નવી આવી ત્યારે સલમાન એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેમણે તેને તેનું નામ બદલવાની સલાહ આપી. ખરેખર, કિયારાનું અસલી નામ આલિયા અડવાણી છે. આલિયા ભટ્ટ આલિયા નામથી ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી હાજર છે, તેથી સલમાને કિયારાને તેનું નામ બદલવા કહ્યું. કિયારાએ પણ એવું જ કર્યું. કિયારાએ 2014 માં આવેલી ફિલ્મ ‘ફગલી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ પછી, તેને ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ દ્વારા ઓળખ મળી. મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરની આ ફિલ્મમાં કિયારાએ તેની પત્ની સાક્ષીની ભૂમિકા ભજવી હતી.ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો રોલ કર્યો હતો. 2019 માં, કિયારાની બે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ અને ‘કબીર સિંહ’ હિટ સાબિત થઈ. 2020 માં, તે ‘લક્ષ્મી’ અને ‘ઇન્દુ કી જવાની’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.