સિંગર તથા કમ્પોઝર અનુ મલિકે અંતે પોતાના પર લાગેલા MeTooના આરોપો પર વાત કરી છે. તેમણે ટ્વિટર પર ઓપન લેટર લખીને પોતાની વાત રજૂ કરી છે. અનુ મલિકે ટ્વિટર પર એક લાંબો લેટર લખ્યો છે.
1. મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી
અનુ મલિકે કહ્યું હતું, છેલ્લાં એક વર્ષમાં મારી પર કેટલાંક એવા આરોપો લાગ્યા, જે મેં ક્યારેય કર્યાં નહોતાં. હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો અને રાહ જોતો રહ્યો કે સત્ય તમારી સમક્ષ આવશે. જોકે, હવે મને એ વાતનો અહેસાસ થયો કે મારા મૌનને નબળાઈ સમજવામાં આવે છે. જ્યારથી મારી પર ખોટા આરોપો લાગ્યાં ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા તથા મારા પરિવારનું માનસિક સ્વાસ્થ્ય પર ઘણી જ ખરાબ અસર પડી છે. આ તમામ આરોપોએ મને તથા મારા કરિયરને બરબાદ કરી દીધું છે. હું મારી જાતને હેલ્પલેસ, નજરઅંદાજ તથા અકળાયેલું ફિલ થાય છે.
2. શરમજનક ઘટના
વધુમાં અનુ મલિકે કહ્યું હતું કે આ ઘણું જ શરમજનક છે કે જીવનના આ તબક્કે મારા નામની સાથે આટલાં ગંદા અને ડરામણી ઘટનાઓને સાંકળવામાં આવી. આ પહેલાં કેમ આ અંગે સવાલ કરવામાં ના આવ્યા? આ તમામ આરોપો ત્યારે જ કેમ લાગ્યા જ્યારે હું ટીવી પર પરત આવ્યો. આ એક માત્ર મારી કમાણીનું સાધન છે. હું બે દીકરીઓના પિતા હોવાને નાતે આવું વિચારી પણ શકતો નથી. શો ચાલુ જ રહશે…પરંતુ આ હસતા ચહેરાની પાછળ હું ઘણી જ તકલીફમાં છું. કોઈ અંધારામાં છું અને મારે બસ ન્યાય જોઈએ.
અનુ મલિક વિરુદ્ધ આ સિંગર્સે આરોપ મૂક્યો હતો
ઉલ્લેખનીય છે કે ‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ પેનલમાં સામેલ થયા બાદ અનુ મલિક પર યૌન શોષણના આરોપો લાગ્યાં હતાં. ગયા વર્ષે સોના મહાપાત્રા, નેહા ભસિન તથા શ્વેતા પંડિતે અનુ મલિકે તેમનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. શ્વેતા પંડિત તથા સોના મહાપાત્રાએ અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડલ’માં જજ બનાવવા પર વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, કાશ્મીરા શાહ તથા સિંગર હેમા સરદેસાઈએ અનુ મલિકને સપોર્ટ કર્યો હતો.