મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હંમેશાં તેમના રાજકીય કાર્યો વિશે ચર્ચામાં રહે છે. આ સાથે જ તેની પત્ની અમૃતા ફડણવીસ પણ ઘણીવાર હેડલાઇન્સમાં જોવા મળે છે. દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ એક સામાજિક કાર્યકર તેમજ ગાયક છે.
તાજેતરમાં જ, અમૃતા ફડણવીસનું એક નવું ગીત ‘તિલા જગુ દ્યા’ યુટ્યુબ પર રિલીઝ થયું છે. જેને અત્યારે 39 હજારથી વધુ ડિસલાઇક (નાપસંદ) મળ્યા છે. શ્રીરંગ ઉર્હેકરે અમૃતા ફડણવીસના આ ગીતને તેનું સંગીત આપ્યું છે. પ્રાજક્તા પટવર્ધને તેના શબ્દો લખ્યા છે. આ ગીતની થીમ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. આ ગીત ભાઈ બીજના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું.
અમૃતા ફડણવીસનું નવું ગીત ‘તિલા જગુ દ્યા’ મરાઠી ભાષામાં છે. તે ટી-સિરીઝ મરાઠી યુટ્યુબ એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવ્યું છે. આ ગીતનું વિમોચન પણ અમૃતાએ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપ્યું છે. હાલમાં, યુટ્યુબ પર તેને અત્યાર સુધી 14 લાખ 50 હજાર લોકો જોઇ ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે આ ગીતને અત્યાર સુધીમાં 39 હજાર નાપસંદો મળી છે, જ્યારે અત્યાર સુધી 5.7 હજાર લોકોએ આ ગીત લાઈક કર્યું છે.