ત્રણ મહિના પહેલાં અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, શુભા મુદ્દગલ તથા એક્ટ્રેસ અપર્ણા સેન સહિત 49 હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોબ લિંચિંગ ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમની પર ત્રણ ઓક્ટોબરના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં કેસ નોંધાયો છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાએ બે મહિના પહેલાં દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ(CJM) સૂર્યકાંત તિવારીના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે, આ 49 હસ્તીઓને એક્ટર નસીરુદ્દીન શાહ તથા ઈતિહાસકાર રોમિલા થાપર સહિત 180થી વધુ અન્ય હસ્તીઓનું સમર્થન મળ્યું છે. તેમણે હાલમાં જ એક નવો પત્ર લખીને કહ્યું હતું કે તેમના અવાજને દબાવી શકાશે નહીં.
1. મોબ લિંચિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવવા પર દેશદ્રોહનો કેસ કેમ?
180 હસ્તીઓમાં નસીરુદ્દીન શાહ તથા રોમિલા થાપર ઉપરાંત લેખિકા નયનતારા સહગલ, ડાન્સર મલ્લિકા સારાભાઈ, ગાયક ટીએમ કૃષ્ણાના નામ પણ સામેલ છે. તેમણે પત્રમાં લખ્યું છે, ‘આપણાં સાંસ્કૃતિક ક્ષેત્રના 49 સાથીઓ વિરુદ્ધ એફઆઈઆર એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તેમણે સમાજના સન્માનિત સભ્યો તરીકે આપણાં દેશમાં થતી મોબ લિંચિંગની ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને પોતાની ફરજ નિભાવી હતી.’ પત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે નાગરિકોનો અવાજ દબાવવા માટે અદાલતનો દુરુપયોગ કરવો એ શોષણ નથી?
પત્રમાં હસ્તીઓએ પોતાને ભારતીય સાંસ્કૃતિક ક્ષેત્રના સભ્યો ગણાવીને કહ્યું હતું કે તેઓ 49 હસ્તીઓને હેરાન કરવાની નિંદા કરે છે. આ સાથે જ મોબ લિંચિંગને લઈને પીએમને જે પત્ર લખવામાં આવ્યો હતો, તેના એક-એક શબ્દનું સમર્થન કરે છે. આ હસ્તીઓએ જૂનો પત્ર શૅર કરીને સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા કાનૂની સમુદાયને અપીલ કરી છે કે તેઓ સાથ આપે. તેઓ મોબ લિંચિંગની વિરૂદ્ધ, નાગરિકોનો અવાજ દબાવવા તથા તેમના ઉત્પીડન વિરુદ્ધ તથા કોર્ટના દુરુપયોગ વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરશે.
2. સરકારે આરોપો નકાર્યા હતાં
કળા, સાહિત્ય તથા અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી 49 હસ્તીઓએ 23 જુલાઈના રોજ મોદીના નામે એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં મુસ્લિમ, દલિત તથા અન્ય સમુદાયો વિરુદ્ધ ભીડ દ્વારા કરાયેલી હત્યા (મોબ લિંચિંગ) પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. પત્રમાં પીએમ મોદીને સંબોધિત કરીને કહેવામાં આવ્યું હતું, ‘મે, 2014 બાદથી જ્યારથી તમારી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી અલ્પસંખ્યકો તથા દલિતો વિરુદ્ધના હુમલાના 90 ટકા કેસ દાખલ થયા છે. તમે સંસદમાં મોબ લિંચિંગ ઘટનાની નિંદા કરો છે, તે પૂરતું નથી. સવાલ એ છે કે આવા અપરાધીઓ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.’ જોકે, સરકારે પત્રમાં લખેલા તમામ આરોપોને નકારી કાઢ્યાં હતાં.
3. 49 હસ્તીઓના પત્રના જવાબમાં 62 હસ્તીઓએ ઓપન લેટર લખ્યો હતો
49 હસ્તીઓના પત્રના જવાબમાં કંગના રનૌત, પ્રસૂન જોશી સહિત 62 હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો હતો. તેમના કહ્યાં પ્રમાણે, કેટલાંક લોકો સરકાર વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે, જેનો ઉદ્દેશ માત્ર લોકતાંત્રિક મૂલ્યોને બદનામ કરવાનો છે. આ 62 હસ્તીઓએ સવાલ કર્યો હતો કે નક્સલીઓ જ્યારે સામાન્ય લોકોને નિશાન બનાવે છે, ત્યારે આ લોકો કેમ ચૂપ હોય છે?