કવિતા કૃષ્ણમૂર્તિ તે સદભાગી સિંગર છે જેણે બૉલીવુડમાં લતા માંગેશકર અને આશા ભોંસલેના સંગીત વારસાને આગળ વધાર્યો છે.તેમનો મધુર અવાજ અને સંગીત પ્રત્યેના લગાવે તેમને દેશના મહાન ગાયકોની હોડમાં અાગળ કરી દીધા.તેમના અવાજ અને ગાયકીને દેશ અને વિશ્વના તમામ પ્રશંસકો દ્વારા પ્રશંસા મળી.
આજે તેમનો જન્મદિવસ છે.આ છે તેમની જિંદગી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો.
કવિતા કૃષ્ણમમૂર્તિનો જન્મ 25 જાન્યુઆરી 1958માં નવી દિલ્હીમાં રહેતા એક તમિલ ઐય્યર પરિવારમાં થયો હતો. કવિતાએ તેમના પ્રારંભિક દિવસોમાં સુરુમા બાસુ પાસેથી રવીન્દ્ર સંગીત શીખ્યું.પછી તેમણે બલરામ પુરીથી હિંદુસ્તાન ક્લાસિકલ સંગીતની તાલીમ લીધી. 8 વર્ષની નાની ઉંમરમાં જ તેમણે એક સંગીત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો.
સંગીતમાં રસ ધરાવતી કવિતાએ ભારતીય ફોરેન સર્વિસીઝ માટે કામ કરવાનું સ્વપ્ન જોયું હતુ પરંતુ કદાચ તેમના ભાગ્યમાં સંગીત સેવા જ લખી હતી.કવિતાના સારા નસીબ કે 13 વર્ષની નાની ઉમરે જ તેમને સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર સાથે એક બંગાળી ગીત ગાવાનો મોકો મળ્યો.
તેમની ગાયકીથી મહાન ગાયક અને સંગીતકાર હેમંત કુમાર પ્રભાવિત થયા.અને તેમની સાથે સ્ટેજમાં ગીતો ગાવાની તક આપવામાં અાવી.આ પરફોર્મન્સ દરમિયાન ક્લાસિકલ લીજેન્ડ મન્નાડેએ તેમને સાંભળ્યા અને તેમને જાહેરાતોમાં જિંગલ ગીત ગાવાની સલાહ અાપી.
કવિતાના બોલીવુડ કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં તેમને સંગીતકાર લક્ષ્મીકાન્ત પ્યારેલાલનો સાથ મળ્યો.આ ઉપરાંત તેમણે આર ડી બર્મન, નદીમ-શ્રવણ, બપ્પી લહેરી, અનુ મલિક, રવિન્દ્ર જૈન માટે ગીતો ગાયા છે.તેમને સંગીતમાં યોગદાન આપવા બદલ પારિતોષિકોથી સન્માનીત કરવામાં અાવ્યા.
તેમને ચાર ફિલ્મફેર એવોર્ડથી સન્માનીત કરાયા.સાથે જ કિશોર કુમાર જર્નાલિસ્ટ એન્ડ ક્રિટીક એવોર્ડ, રવિન્દ્ર જૈન સંગીતનો એવોર્ડ, મધ્યપ્રદેશ સરકાર દ્વારા લતા મંગેશકર એવોર્ડ અને યસુદાસ એવોર્ડ પણ જીત્યો.
તેમણે વાયોલીન વાદક ડૉક્ટર એલ સુબ્રમણ્યમ સાથે લગ્ન કર્યા.તેમની સાથે મળીને સુબ્રમણ્યમ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ નામની સંસ્થા ખોલી અને સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું.અાજે પણ તેઓ સંગીત ક્ષેત્રે તેમનું અાગવુ પ્રદાન અાપી રહ્યા છે.